Ahmedabad News : અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લોદરિયાદ ગામ પાસે ત્રણ લોકોના મોતની ઘટના સામે આવી છે. ત્રણ લોકોના મૃતદેહો મળી આવતા નાયબ મામલતદાર, DySPનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. બનાવમાં 10 પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સાણંદ તાલુકાના લોદરિયાદ ગામ નજીક આવેલી ખોડલ હોટલ પાસે એક ઘરમાંથી ત્રણ લોકોના મૃતદેહ મળી આવતા હડકંપ મચી જવા પામ્યો છે. ઘટનાસ્થળે પોલીસ કાફલો પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના ગળાના ભાગે છરીના ઘા જોવા મળ્યા હોવાનું સામે આવ્યુ છે. ઘટનાસ્થળે પોલીસને 10 પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી છે. પોલીસ ત્રણેય મૃતદેહને પીએમ અર્થે મોકલ્યા છે.
બાળક અને મહિલાની હત્યા બાદ પુરુષે કર્યો આપઘાત
ઘરમાંથી એક બાળક, એક મહિલા અને એક પુરુષના મૃતદેહ મળ્યા હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, બાળક અને મહિલાની કટરથી હત્યા કર્યા બાદ પુરૂષે પોતાના ગળા પર કટર ફેરવીને આપઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સાથે એવી પણ માહિતી સામે આવી છે કે, મૃતક પુરૂષ અને મહિલા બંને લીવઈનમાં રહેતા હતા અને તેઓ લગ્ન કરવાના હતા. પરંતુ લગ્ન અટકી ગયા હતા. જણાવી દઈએ કે, મૃતક મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા થઈ ચૂક્યા હતા.


