નર્મદામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના: મૃતક ત્રણ શ્રમિકોના પરિવારને રૂ. 50-50 લાખની સહાય જાહેર

Narmada News : નર્મદા નદી કિનારે ગોરા ઘાટ ખાતે ચાલી રહેલી નવીનીકરણની કામગીરી દરમિયાન ગઈકાલે રવિવારે (26 ઓક્ટોબર) ભેખડ ધરાસાઈ થતાં અકતેશ્વર ગામમાં 3 સ્થાનિકો દટાઈ જતાં મૃત્યું નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે દુર્ઘટના ઘટી હોવાનો મૃતકોના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. બનાવ અંગે કોન્ટ્રાક્ટર વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. એજન્સીએ ત્રણેય મૃતક શ્રમિકોના વારસદારોને 50-50 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની મંજૂરી આપી છે.

બેદરકારીથી મૃત્યુની ફરિયાદ નોંધાઈ
નર્મદા ઘટના નવીનીકરણની કામગીરીમાં નજીકમાં જ પ્રોટેક્શન વોલ બનાવતા સમયે અચાનક ભેખડ ધરાસાઈ થઈ હતી. જેમાં અકતેશ્વર ગામના રહેવાસી ત્રણ શ્રમિકોનો મોત નીપજ્યા હતા. ઘટનાની રાત્રે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતકનું પોસ્ટ મોર્ટમ ન કરવા પરિવારજનોએ જીદ પકડી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે એમ ઈંફા એજન્સી અને કોન્ટ્રાક્ટર શૈલેષ પટેલ વિરુદ્ધ BNSની કલમ 106(1) (બેદરકારીથી મૃત્યુ) અને 54 (સલામતીના નિયમોનું ઉલ્લંઘન) મુજબ ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મૃતકના પરિવારજનોને આર્થિક સહાયની લેખિત બાંહેધરી
બીજે દિવસે ગરૂડેશ્વર સરકારી દવાખાને નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, ભાજપ પ્રમુખ નીલ રાવ, ધારાસભ્ય ચૈતર વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગ તડવી, રણજીત તડવી, નિરંજન વસાવા, સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા નિગમના અધિકારીઓ અને એજન્સીએ મૃતકના પરિવારજનો સાથે બેઠક કરી હતી. આ દરમિયાન મૃતકોના પરિવારને પરિવાર દીઠ કોન્ટ્રાક્ટર તરફથી 50 લાખ રૂપિયાની સહાય, મૃતકોના પરિવારના બાળકોને ભણતરની જવાબદારી, રાજ્ય સરકાર તરફથી પણ સહાય, સહિત નર્મદા નિગમ તરફથી પરિવારને 18 વર્ષથી ઉપરનાને નોકરીની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત બાદ આખરે મૃતકોનું પોસ્ટ મોર્ટમ કરાયું હતું.

આ તમામની વચ્ચે ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, 'ત્રણેય મૃતક શ્રમિકોના વારસદારોને 50-50 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવા અંગે એજન્સીએ મંજૂરી દાખવી છે. આજે (27 ઓક્ટોબર) જ 20 લાખ રૂપિયાની રકમ પરિવારજનોને મળી જશે અને બાકીની રકમ 10 દિવસમાં ચૂકવવાની લેખિત ખાતરી પણ મેળવવામાં આવી છે.' ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે 'એજન્સીઓ દ્વારા સેફટી વગર તાબડતોડ કામો અમારા લોકો પાસેથી કરાવવામાં આવે છે. ફરિયાદમાં માનવ વધ જેવી ગંભીર કલમો ઉમેરાવા માગ કરી છે.'
મૃતકોના નામ
- રોહિત રણછોડ તડવી (ઉં.વ.45)
- દિપક ભાણાભાઈ તડવી (ઉં.વ.40)
- શૈલેષ કનુ તડવી (ઉં.વ.37)


