શાપરમાં ટ્રાન્સપોર્ટર સહિત ત્રણને લૂંટી લેવાયા, 4 ઝબ્બે
- બોલેરો સામે ટ્રક આવી જતાં ગુંડાગીરી
- ટાયર ફાટી ગયાનું કહી ૧૫ હજાર માગ્યા બાદ લૂંટ ચલાવનાર ચારે'ય આરોપીઓ શાપરનાં જ વતની
રાજકોટ, તા. 26 જુલાઈ, 2020, રવિવાર
શાપર ચોકડી નજીક ગઈકાલે રાત્રે ટ્રકચાલક, ક્લિનર સહિત ત્રણ પર હુમલો કરી લૂંટ ચલાવનારા શાપરનાં ચાર આરોપીઓ અશ્વીન લાલજી ધુડા, સમીર મહમદ કરાર, આકાશ ત્રિકમ સોલંકી અને બળદેવ સહદેવ રાયજાદાને શાપર પોલીસે ઝડપી લઈ કોરોનાનો ટેસ્ટ કરાવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરાશે.
કોટડાસાંગાણીના પડપલા ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ સજુભા જાડેજા (૨૯) બાપા સીતારામ નામે ટ્રાન્સપોર્ટનું કામ કરે છે.તેની નવાગામ અને શાપરમાં ઓફિસ છે. ગઈ તા.૨૪ના રોજ રાત્રે તે નવાગામથી ટ્રકમાં નવાગામની ઓફિસેથી સામાન ભરી નીકળ્યો હતો. સાથે મજૂર રવિ વિજય બાંભણીયા (રહે. વેરાવળ) હતો.
શાપર પહોંચ્યા હતા અને રાત્રે એકાદ વાગ્યે નજીકમાં ઓફિસ હોવાથી ફિલ્ડમાર્શલ સ્કૂલની સામે સર્વિસ રોડ પર ટ્રક વાળ્યો ત્યાં શાપર ચોકડી તરફથી પૂરપાટ વેગે આરોપીઓ બોલેરોમાં ધસી આવ્યા હતા અને તેના ટ્રક સામે ઊભા રહી જતાં તેણે બ્રેક લગાવી હતી. તે સાથે જ આરોપીઓએ છરી અને ધોકાથી ડ્રાઈવર સાઈડનાં દરવાજાનો કાચ ફોડી નાખ્યો હતો. એટલું જ નહીં ક્લિનર સાઈડનો દરવાજાના કાચનો પણ કડૂસલો બોલાવી તેને અને ક્લિનર રવિને ટ્રકમાંથી નીચે ઉતાર્યા બાદ છરીનો ઘા ઝીંકવા ગયા હતા, પરંતુ પોતાની જાતને બચાવી લેતાં બંને ઉપર ધોકા વડે તૂટી પડયા હતા અને બંનેને પાડી દીધા બાદ ટ્રકની લાઈટો અને કાચ ઉપરાંત પાછળ પડેલા સામાનમાં તોડફોડ શરૃ કરી દીધી હતી.
તેણે કારણ પૂંછતા આરોપીઓએ કહ્યું કે તે તારી ટ્રક કેમ અમારી બોલેરો સામે આવવા દીધી આ વાતચીત થયા બાદ એક આરોપીએ તેને છરીનો ઘા ઝીંકી ખિસ્સામાંથી ૫ હજાર લૂંટી લઈ કહ્યું કે તારી ટ્રક સામે આવતા અમારી બોલેરોનું ટાયર ફાટી ગયું છે. હવે ૧૫ હજાર આપવા પડશે નહીંતર પતાવી દેશું તેવી ધમકી આપી ધોકાથી માર મારી બંનેને નીચે બેસાડી દીધા હતા.
ત્યારબાદ ટ્રકમાં પડેલા સબમર્શીબલનાં બે પાર્સલો લઈ બોલેરોમાં રાખી દીધા હતા. સાથોસાથ બીજા પૈસા મંગાવવાનું કહેતા તેના ભત્રીજા અભીરાજને દસેક હજાર લઈ સ્થળ પર બોલાવતા તે આવ્યો હતો તો આરોપીઓએ તેની ઉપર પણ છરીથી હુમલાનો પ્રયાસ કરી તેને પણ ધોકાનાં ઘા ઝીંકી પાડી દીધો હતો. બાદમાં તેનાં ખિસ્સામાંથી પણ ૨૫૦૦ અને મોબાઈલ લૂંટી લીધો હતો.
બીજા વાહનચાલકો આ દ્રશ્ય જોઈ રહ્યા હોવાથી આરોપીઓએ છરી સાથે પાછળ દોડીને તેનાં સહિત ત્રણેયને ભગાડયા બાદ પાછળથી ધોકાનાં છૂટા ઘા કરી ઘણાં સમય સુધી ગુંડાગીરી આચર્યા બાદ બોલેરોમાં બેસી ભાગી ગયા હતા.