દેવભૂમિ દ્વારકામાં ગોમતી નદીમાં ત્રણ શ્રદ્ધાળુ ડૂબ્યા, એકનો બચાવ થયો, રેસ્ક્યુ ટીમે બેની શોધખોળ હાથ ધરી
Three drown while bathing in Gomti in Dwarka: દેવભૂમિ દ્વારકામાં આજે બપોરના સમયે ગોમતી નદીમાં સ્નાન કરવા ઉતરેલા ત્રણ શ્રદ્ધાળુઓ ડૂબી ગયા હતા. જે બાદ સ્થાનિક તરવૈયા અને નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દોડી આવતાં એકને બચાવી લેવામા આવ્યો હતો. જ્યારે અન્ય બેની શોધખોળ અને રેસ્ક્યુની કામગીરી ચાલુ છે. મળતી માહિતી પ્રમાણે આ તમામ લોકો પાટણ જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.
મામા-ભાણેજ સ્નાન કરવા ઉતર્યા હતા નદીમાં
આ અંગે મળતી માહિતી પ્રમાણે પાટણથી આજે બપોરના સમયે દેવભૂમિ દ્વારકા મંદિરે દર્શન કરવા આવેલા ત્રણ યાત્રાળુઓ ગોમતી નદીમાં સ્નાન કરતા ઉતર્યા હતા, જ્યા પાણી વધારે હોવાથી ડૂબ્યા હતા. ઘટના અંગેની જાણ સ્થાનિક તરવૈયા અને નગરપાલિકાની ફાયર બ્રિગેડને કરતાં તાત્કાલિક ટીમ દોડી આવી હતી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. જેમાં એક યુવકને બચાવી લેવાયો હતો, જ્યારે અન્ય બે વ્યક્તિ પાણીમાં ગરકાવ થઇ જતાં તેમની શોધખોળ કામગીરી ચાલુ છે. મળતી માહિતી પ્રમાણે ડૂબી ગયેલા બંને મામા-ભાણેજ હતા અને પાટણ જિલ્લાના રહેવાસી છે. જેમની ઓળખ શૈલેષભાઇ ગોસ્વામી (ઉંમર 27 વર્ષ, રહે. મેત્રાણા, સિદ્ધપુર, જિ. પાટણ) અને ધ્રુમિલ ગોસ્વામી (ઉંમર 16 વર્ષ) હોવાની માહિતી મળી છે.
દરિયામાં ભરતી આવતાં નદીમાં પાણી વધ્યુ
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલા યુવકને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે શ્રદ્ધાળુઓની સ્થાનિક તરવૈયા અને નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ ચાલી રહી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે દરિયામાં ભરતી આવવાથી નદીમાં પાણીનો ફ્લો વધ્યો હતો. જેના કારણે આ ઘટના બની હોવાનું અનુમાન છે.
ઘટના બાદ દ્વારકાના પ્રાંત અધિકારી અને દ્વારકા પી.આઈ. બારસીયાએ ગોમતી ઘાટના સમગ્ર કિનારા ન્હાતા લોકોને સુરક્ષિત જગ્યાએ ન્હાવાની સુચના આપી છે.