સુરતમાં ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકીને કાપડ દલાલની જાહેરમાં કરી હત્યા, ત્રણ હત્યારાઓએ ઘટનાને આપ્યો અંજામ
Surat News : રાજ્યમાં મારામારી, હત્યા સહિતના કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ત્રણ શખ્સોએ ચપ્પાના ઘા ઝીંકીને કાપડના દલાલની જાહેરમાં હત્યા નીપજાવી હતી. આરોપીઓએ ક્રુરતાપૂર્વક હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. હત્યાના બનાવ 1 ઓગસ્ટના બન્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કાપડના દલાલની જાહેરમાં હત્યા
મળતી માહિતી મુજબ, શહેરના આલોક અગ્રવાલ ડુંભાલ ફાયર સ્ટેશન સામે આવેલી વાટિકા ટાઉનશીપમાં રહેતા કાપડના દલાલ આલોક ઝંડારામ અગ્રવાલ (ઉં.વ. 45)ને ગઈકાલે શુક્રવારે મોડી રાત્રે ત્રણ શખ્સોએ હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. આરોપી દ્વારા દલાલ આલોકને અનેક વખત ચપ્પાના ઘા ઝીંકીને ગંભીર રીતે ઘાયલ કરતાં મોત નીપજ્યું હતું. આરોપીઓએ આલોકના જમણા હાથની આંગળીઓ પણ કાપી નાખી હોવાનું જણાય છે.
હત્યાના ચોંકાવનારા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ક્રુરતાથી હત્યાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે લિંબાયત પોલીસ સ્ટેશન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.