Himmatnagar News : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અજાણ્યા શખસો ઈ-મેઈલ કરીને શૈક્ષણિક સંસ્થાઓ તથા સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાનો સિલસિલો ચાલી રહ્યો છે, ત્યારે ગુરૂવારે (18 ડિસેમ્બર) હિંમતનગર સ્થિત કલેકટર કચેરી(જિલ્લા સેવા સદન)ને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી આપી હોવાની વિગતો બહાર આવ્યા બાદ પોલીસતંત્ર દ્વારા સેવા સદનમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, હિંમતનગર-ઈડર રોડ પર આવેલા હાથમતી નદીના પુલ નજીક જિલ્લા સેવા સદનમાં અનેક સરકારી કચેરીઓ કામ કરી રહી હોવાથી રોજબરોજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક અરજદારો અહીં કામ અર્થે આવતા હોવાને કારણે દિવસ દરમિયાન લોકોની અવરજવર વધુ રહે છે, તે સ્વાભાવિક છે.

જિલ્લા સેવા સદનને બોમ્બથી ઉડાવી દેવાની મળેલી ધમકી બાદ સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું હતું. ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિવિધ ટીમોએ બોમ્બ ડિસ્પોઝલ સ્કોર્ડ અને ડોગ સ્કોર્ડની મદદથી સેવા સદન સ્થિત વિવિધ કચેરીઓની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી ન હતી. તેમ છતાં સેવા સદનમાં આવતા લોકોને તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.


