Ahmedabad AMTS-BRTS Single Ticket: અમદાવાદના જાહેર પરિવહન ક્ષેત્રે આજે એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં શહેરની લાઈફલાઈન ગણાતી AMTS અને BRTS સેવાઓ માટે 'સિંગલ મોબિલિટી સિસ્ટમ'ને લીલીઝંડી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ રૂ. 470 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેનાથી લાખો મુસાફરોની મુસાફરી વધુ સરળ અને હાઈટેક બનશે. આ વ્યવસ્થા એક વર્ષમાં ઉભી કરવામાં આવશે.
એક જ ટિકિટ કે કાર્ડથી બંને બસમાં મુસાફરી
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વિગતો આપતા જણાવ્યું હતું કે, રોજેરોજ 6 લાખથી વધુ નાગરિકો આ સેવાઓનો લાભ લે છે. નવી સિસ્ટમ અમલમાં આવ્યા બાદ મુસાફરોએ AMTS અને BRTS માટે અલગ-અલગ ટિકિટ લેવી પડશે નહીં. એક જ QR કોડ, ટિકિટ અથવા સ્માર્ટ કાર્ડ દ્વારા બંને બસ સેવાનો ઉપયોગ કરી શકાશે. આ સિસ્ટમમાં WhatsApp ચેટબોટની સુવિધા પણ હશે, જેનાથી મુસાફરો ઘરે બેઠા ટિકિટ મેળવી શકશે.
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ:
- ખર્ચ અને સમયમર્યાદા: રૂ. 470 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ 12 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે.
- ફ્રી અપગ્રેડેશન: આગામી 5 વર્ષ સુધી ટેકનોલોજી અને હાર્ડવેરનું તમામ અપગ્રેડેશન એજન્સી દ્વારા વિનામૂલ્યે કરવામાં આવશે.
- યુનિફાઈડ જર્ની પ્લાનર: મુસાફરો એપ દ્વારા જાણી શકશે કે તેમને કયા સ્થળે જવા માટે કઈ બસ ક્યારે મળશે.
- ભવિષ્યનું આયોજન: આગામી સમયમાં આ સિસ્ટમ સાથે મેટ્રો, રેલવે, GSRTC અને રિક્ષા-કેબ જેવી સેવાઓને પણ સાંકળવામાં આવશે.
- પ્લોટના ઓક્શનથી AMCની તિજોરી છલકાઈ: રૂ. 441 કરોડની આવક
પરિવહન સુવિધા ઉપરાંત મહાનગરપાલિકાની આવક અંગે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને માહિતી આપી હતી કે, શહેરના શીલજ-સોલા અને વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ચાર કોમર્શિયલ પ્લોટના ઈ-ઓક્શન દ્વારા AMCને રૂ. 441 કરોડની મબલખ આવક થઈ છે.
આ આવકનો ઉપયોગ શહેરના વિકાસકાર્યો જેવા કે નવા રોડ-રસ્તા, પાણી પુરવઠો, ગાર્ડન અને તળાવોના બ્યુટિફિકેશન માટે કરવામાં આવશે. ટાઉન પ્લાનિંગ સ્કીમ (TP) હેઠળ મળેલા પ્લોટના વેચાણથી થયેલી આ આવક અમદાવાદના આધુનિકીકરણમાં મોટો ફાળો આપશે.


