ક્રિપ્ટોમાં રોકાણના બહાને રૂ.26.63 લાખ પડાવનાર ટોળકીમાં બે સી.એ.ના વિદ્યાર્થી હતા

- 10 વર્ષ પહેલા રાજસ્થાનમાં અભ્યાસ કરતા હતા : બંને ઠગ ટોળકી માટે બેન્ક એકાઉન્ટની વ્યવસ્થા કરી આપતા હતા
સુરત, : સુરતની સચિન જીઆઈડીસીમાં બાયો ફર્ટીલાઈઝર મેન્યુફેક્ચરીંગ યુનિટ ધરાવતા સિટીલાઈટ રોડના યુવાન પાસે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના બહાને રૂ.26.63 લાખ પડાવનાર ઠગ ટોળકીના ઝડપાયેલા બે સાગરીત 10 વર્ષ અગાઉ રાજસ્થાનમાં સાથે સી.એ.નો અભ્યાસ કરતા હતા.
સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતની સચિન જીઆઈડીસીમાં બાયો ફર્ટીલાઈઝર મેન્યુફેક્ચરીંગ યુનિટ ધરાવતા સિટીલાઈટ રોડના યુવાન રાજ સામ લોખંડવાલા પાસે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના બહાને રૂ.26.63 લાખ પડાવનાર ઠગ ટોળકીના બે સાગરીત પવન રાયસાહબ સુથાર ( ઉ.વ.31, રહે. જી.403, વિરામ –2, બીલાબોંગ સ્કુલ પાછળ, વડસલ જી.આઇ.ડી.સી. રોડ, વડોદરા. મુળ રહે.બંગલા નગર કોલોની, ડુડી પેટ્રોલપંપની પાછળ, જી.બીકાનેર,રાજસ્થાન ) અને સિધ્ધાંત રામકિશન શર્મા ( ઉ.વ.28, રહે.બિલ્ડીંગ નં.7, 19 મો માળ, ફલેટ નં.5, નિકુ હોમ્સ, ભારતીય સીટી, બેંગલોર, કર્ણાટક. મુળ રહે.કોટપુતલી, ગઢ કોલોની મહોલ્લા, જી.જયપુર,રાજસ્થાન ) ની સાયબર ક્રાઈમ પોલીસે ગતરોજ ધરપકડ કરી હતી.

બંનેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ વર્ષ 2011-12 માં રાજસ્થાનમાં સાથે સી.એ.નો અભ્યાસ કરતા હતા. હાલ બેંગ્લોરમાં સી.એ.ની ઓફિસમાં નોકરી કરતો અને સી.એ.નું એક પેપર ક્લીયર કરવાનું બાકી હોય તેની તૈયારી કરતો સિધ્ધાંત શર્મા અને સી.એ.નો અભ્યાસ પડતો મૂકી હાલ વડોદરામાં ખાનગી પેઢીમાં નોકરી કરતો પવન સુથાર ઠગ ટોળકી માટે બેન્ક એકાઉન્ટની વ્યવસ્થા કરી આપતા હતા. તેમની પુછપરછમાં તેવું જાણવા મળ્યું છે કે ઠગ ટોળકી ઇન્ટરનેટ કોલીંગ એપ મારફતે વિદેશથી ફોન કરતા હોવાની બનાવટ કરે છે. સાયબર ક્રાઈમ પોલીસે બંનેના ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે અને આરોપીઓના બેન્ક એકાઉન્ટોમાં કુલ રૂ.14,15,329 ફ્રીઝ કર્યા છે.




