રાજકોટમાં ટેકાના ભાવે ખરીદેલી 31 લાખ રૂપિયાથી વધુની મગફળીની ચોરી, સરકારે કહ્યું 'અમારે લેવાદેવા નથી'
Rajkot News : રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2024માં જેતપુરના ગોડાઉનમાંથી મગફળની 1212 બોરીઓ ચોરાયા બાદ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. જ્યારે સમગ્ર મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે.
રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરી
મળતી માહિતી મુજબ, રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામ નજીક સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન તરફથી ગિરીરાજ વેરહાઉસ ભાડે રખાયેલા ગોડાઉનમાં 57600 મગફળીની બોરીઓ રાખવામાં આવી હતી. જેમાં 5 થી 16 ડિસેમ્બર, 2024 દરમિયાન ગિરીરાજ વેરહાઉસમાં રાખેલી મગફળીમાંથી 1212 મગફળીની બોરીઓ ચોરી થઈ હતી. જેમાં અમદાવાદની શ્રીરામ એન્ટરપ્રાઈઝ નામની એજન્સીને વેરહાઉસની દેખરેખનો કોન્ટ્રાક્ટ સોંપાયો હતો. 31.64 લાખની કિંમતની મગફળીની ચોરી થતાં ખળબળાટ મચી ગયો હતો.
સમગ્ર મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, 'ચોરી બાબતે અમારા વિભાગને કોઈ લેવાદેવા નથી. સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી સારી રીતે પૂર્ણ કરી છે. જ્યારે ખરીદી બાદ એજન્સી અને નાફેડની જવાબદારી રહે છે.'
મગફળીની ચોરી મામલે સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનના ટેકનિકલ આસિસ્ટન્ટ અને વેર હાઉસ મેનેજર અમિતકુમાર ગીલ્લાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વેરહાઉસમાં 6-6 મહિને ફિઝીકલ વેરિફિકેશન કરવામાં આવતું હોય છે. જોકે, મગફળીની ચોરી મામલ અનેક સવાલો ઊભી થયા છે. કેમ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન હતા. સિક્યોરિટી હોવા છતાં મગફળી કેમ ચોરાઈ?