Theft in Ahmedabad: અમદાવાદ જિલ્લાના બાવળામાં હવે તસ્કરોને પોલીસનો કોઈ ડર રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બાવળાની વૈશાલી સોસાયટીમાં ચોરીની એવી ઘટના બની છે જેણે પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઊભા કર્યા છે. અહીં તસ્કરોએ એક પોલીસકર્મીના પિતાના બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તા શોધવા માટે બે કલાક સુધી ખાંખાખોળા કર્યાં હતા.
બાવળાની વૈશાલી સોસાયટીમાં આતંક મચાવ્યો હતો. આ મકાન એલઆઈસીમાં ફરજ બજાવતા બહાદુરભાઈ ગઢવીનું છે, જેમના પુત્ર નવસારીમાં પોલીસમાં ફરજ બજાવે છે. પુત્ર પાસે ગયેલા પરિવારના બંધ મકાનનો લાભ ઉઠાવી ચોર નકુચો તોડી અંદર પ્રવેશ્યો હતો. આ ચોરની હિંમત તો જુઓ, તેણે ઘરમાં રહેલી તિજોરી અને કબાટના લોક તોડી નાખ્યા અને સોના-ચાંદી કે રોકડ મેળવવા માટે સતત બે કલાક સુધી આખા ઘરનો સામાન વેરવિખેર કરી નાખ્યો. જાણે કોઈ મોટો ખજાનો શોધતો હોય તેમ તેણે આખું ઘર ફેંદી માર્યું હતું. પરંતુ નસીબજોગ કિંમતી ચીજવસ્તુઓ ન મળતા, અંતે ખાલી હાથે જવાને બદલે આ તસ્કર દીવાલ પર લટકતું LED ટીવી ઉતારી, તેને સફેદ કાપડમાં બાંધી રાત્રે 4 વાગ્યે દીવાલ કૂદીને ફરાર થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે સવારે પડોશીએ બારીની ગ્રીલ વળેલી જોઈ. તપાસ કરતા માલુમ પડ્યું કે તસ્કરે પહેલા પડોશમાં રહેતા કિશોરભાઈના ઘરે પણ હાથફેરો કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે જોવાનું એ રહે છે કે, પોલીસ પરિવારના ઘરે જ ચોરી કરનાર આ હિંમતબાજ ચોરને બાવળા પોલીસ ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.


