મોરબી પોલીસ ઊંઘમાં! એક જ મંદિરમાં ત્રીજી વખત ચોરી, તસ્કરો ચાંદીનો મુકુટ ઉઠાવી ગયા, ઘટના CCTVમાં કેદ
Morbi News : મોરબીના વાંકાનેરમાં એક મંદિરમાં ત્રીજી વખત ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. હનુમાન મંદિરમાં તસ્કરો ચાંદીનો મુકુટ ઉઠાવી ગયા હોવાની ઘટના CCTVમાં કેદ થઈ હતી. વારંવાર ચોરીના બનાવને લઈને ગામના સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખે પોલીસને જાણ કરી હોવા છતાં મોરબી પોલીસ જાણે ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે ભગતશ્રી રાણીમાં રૂડીમાના હનુમાજી મંદિર ખાતે ગઈકાલે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરમાંથી ચાંદીના મુકુટની ચોરી કરીને ચોર ફરાર થઈ ગયો હતો. ત્રીજી વખત મંદિરમાંથી ચોરી થતાં સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખે દોષનો ટોપલો પોલીસ પર ઠાલવ્યો હતો. તેમજ પોલીસ તંત્રની કામગીરી સામે આક્ષેપ કર્યા હતા.
આ પણ વાંચો: શ્રીકષ્ટભંજન હનુમાનને દેવાધિદેવ મહાદેવની થીમના વાઘા અને ડ્રાયફ્રુટનો શણગાર કરાયો
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા નવ મહિનામાં હનુમાનજીના આજ મંદિરમાં ત્રીજી વખત ચોરીની ઘટના સામે આવી છે. અવારનવાર ચોરીના બનાવ છતાં ચોરને પકડવામાં પોલીસ નીષ્ફળ રહેતાં અનેક સવાલો ઊભા થયા છે.