પોલીસ પર આક્ષેપ કરનાર યુવકે ફિનાઇલ પીધું જ નહતું
હોસ્પિટલમાં સારવાર લેતા યુવકે કહ્યું, જો મને ન્યાય નહીં મળે તો હું ફરીથી આપઘાત કરીશ

વડોદરા,માંજલપુરમાં ખંડણીના ગુનામાં સામેલ આરોપીએ ફિનાઇલ પી લેતા તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે પોલીસે કરંટ આપી માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. પરંતુ, પોલીસના જણાવ્યા અનુસાર ડોક્ટરના રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, આક્ષેપ કરનાર યુવકે ફિનાઇલ પીધું જ નહતું.
સ્ક્રેપ ચોરી અને ત્યારબાદ ખંડણીના બે ગુના માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયા હતા. સ્ક્રેપ ચોરીના ગુનામાં પોલીસે બે અને ખંડણીના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. જે પૈકી એક આરોપી જય પટેલને રાવપુરા પોલીસ સ્ટેશન નજીકથી એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે ફિનાઇલ પી લીધું હોવાનું હોસ્પિટલમાં જણાવ્યું હતું. તેમજ માંજલપુર પોલીસે તેને કરંટ આપી ઢોર માર મારતા તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
રાવપુરા વિસ્તારમાંથી ફિનાઇલ પીધેલી હાલતમાં મળેલા જયેશ પટેલની તપાસ માંજલપુર પોલીસે કરી હતી. દરમિયાન આજે એ.સી.પી. પ્રણવ કટારિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, અશોક દૂબેએ સ્ક્રેપ ચોરીનો માલ ખરીદનાર વિજેન્દ્ર રાજભર પાસે એક અરજી આપાવી હતી કે, પ્રકાશ પરમાર મને બિલ આપતો નથી. આ અરજીની તપાસ દરમિયાન મળેલા સીસીટીવી ફૂટેજ અને કોલ રેકોર્ડિંગના આધારે પોલીસે બે ગુના દાખલ કર્યા હતા. હવે આ કેસમાં પોલીસ પર આક્ષેપ કરનાર જયેશ પટેલની સારવાર કરનાર ડોક્ટરે પોલીસને જણાવ્યું છે કે, જયેશ પટેલને કરંટ આપ્યાના કે તેણે ફિનાઇલ પીધું હોવાના પણ કોઇ પુરાવા નથી. જેથી, જયેશ પટેલે પોલીસ પર તદ્દન ખોટા આક્ષેપો કર્યા છે.જ્યારે જયેશ પટેલે જણાવ્યું હતું કે, જો મને ન્યાય નહીં મળે તો હું ફરીથી આપઘાત કરીશ.

