સૌરાષ્ટ્રમાં આવેલું છે વિશ્વનું એકમાત્ર સિંહણનું મંદિર, રોજ થાય છે પૂજા અને આરતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

World Lion Day: દુનિયાભરમાં 10મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાય છે. ત્યારે અમરેલી જિલ્લામાં આવેલા વિશ્વના એકમાત્ર સિંહણ સ્મૃતિ સ્મારક મંદિરની વાત કરીએ. સિંહ દિવસ નિમિત્તે આ મંદિરમાં સિંહ પ્રેમીઓ, વન વિભાગના અધિકારીઓ, માલધારીઓ, રેન્જરો તેમજ જુદી જુદી સંસ્થાઓના કર્મચારીઓ અહીં આવીને પૂજા-અર્ચના કરે છે.
ગામના લોકો સિંહોને પરિવારની જેમ માને છે
આપણે સૌ દેવી દેવતાઓના નાના મોટા મંદિરો જોયા હશે. પરંતુ અમરેલી જિલ્લાના રાજુલાના ભેરાઈ ગામમાં વિશ્વનું એકમાત્ર સિંહ મંદિર છે. અહીં રાજુલા નેચર કલબના સભ્યો, માલધારીઓ, આસપાસના ગ્રામજનો અને સિંહ પ્રેમીઓ અહીં આવીને વિશ્વ સિંહ દિવસની વિશેષ ઉજવણી કરે છે. રાજુલા બૃહદ ગીર વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરે છે. આ વિસ્તારના લોકો સિંહોને પરિવારના સભ્યો માને છે.

2014માં બે સિંહણના રેલવે અકસ્માતમાં મોત થયા હતા
ગીરના લોકો અને ગીરના સિંહો વચ્ચેનો સંબંધો અદ્ભુત છે. રાજુલાના ભેરાઈ ગામે બે સિંહણની યાદમાં અહીંના લોકોએ સિંહણ સ્મૃતિ મંદિરનું નિર્માણ કર્યું છે. વર્ષ 2014માં રાની અને રૂપસુંદરી નામની બે સિંહણના રેલવે ટ્રેકમાં આવી જવાથી મોત થયા હતા. આ દરમિયાન એક સિંહ ગર્ભવતી હતી, જેના પેટમાં ત્રણ બચ્ચાં પણ હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ખાસ કરીને આ કારણસર સ્થાનિકોએ સિંહણોની યાદમાં આ સ્મારક બનાવ્યું હતું. વિશ્વ સિંહ દિવસે સિંહણ સ્મૃતિ સ્મારક મંદિરમાં મંત્રોચ્ચાર, પૂજાઅર્ચના કરીને તિરંગો પણ લહેરાવાય છે. એટલું જ નહીં, અહીં રાષ્ટ્રગીત પણ ગાવામાં આવે છે.

બંને સિંહણોએ ક્યારેય કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું
સિંહણ સ્મૃતિ સ્મારક માણસો અને સિંહ વચ્ચેના અનેરા સંબંધનું પ્રતીક છે. મળતી માહિતી પ્રમાણે, બૃહદ ગીર વિસ્તારના ભેરાઈ ગામમાં રાની અને રૂપસુંદરી નામની બે સિંહણો અહીં વસવાટ કરતી હતી. આ બંને સિંહણોએ માનવ વસ્તીમાં રીતસરની ભળી ગઈ હતી. સ્થાનિકોને ક્યારેય પણ કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચાડતી હોવાથી આ બંને સિંહણ સ્થાનિકોમાં લોકપ્રિય હતી.
આ પણ વાંચો: વિશ્વ સિંહ દિવસ: એક સમયે ગીર સુધી સીમિત સિંહોનું હવે આખા સૌરાષ્ટ્રમાં સામ્રાજ્ય
સિંહ પ્રત્યે લોકોની અનોખી લાગણી
વિશ્વ સિંહ દિવસે જુદી જુદી સંસ્થાઓ ગ્રામજનો અને વન વિભાગ પણ ધામધૂમથી ઉજવણી કરવા સિંહણ સ્મૃતિ સ્મારક મંદિરે આવે છે. વન વિભાગ દ્વારા પણ આજના દિવસે સિંહણ સ્મૃતિ મંદિરે પૂજા અર્ચના કરવામાં આવે છે. સ્થાનિકોનું માનીએ તો અહી લોકો સિંહને નરસિંહનો અવતાર માને છે. તેથી અહીં માનતાઓ અને બાધાઓ રાખે છે. આ મંદિરથી પ્રકૃતિ અને લોકો વચ્ચે સંબંધની સુવાસ વધુ ફેલાઈ છે અને સિંહો પ્રત્યે લોકજાગૃતિ આવી છે.









