રાજ્યમાં 30 ટકા વધારા સાથે 85,780 ટન વરિયાળી પાકશે, નવી આવક શરૂ થઈ

ગત વર્ષ કરતા ઉપજ ઘટી પણ વાવેતર વધતા ઉત્પાદનમાં વધારો : રાજકોટ બેડી યાર્ડમાં ખેડૂતોને અગાઉથી ઊંચા, મણે રૂ।. 2550-3111ના ભાવ મળ્યાઃ રાજ્યમાં 51,000 હે.માં વાવેતર, ગત વર્ષથી 25 ટકા વધારે
રાજકોટ,: શરબત, મુખવાસ સહિત અનેક રોજિંદા ઉપયોગમાં લેવાતી વરિયાળીનું ચિત્ર આ વર્ષે ગુજરાતમાં ઉજળુ બન્યું છે. રાજ્યમાં ગત વર્ષ કરતા આશરે 30 ટકા ઉત્પાદન વધારો થવાનો અંદાજ સરકારે જારી કર્યો છે અને ગત વર્ષે 65,390 ટન સામે આ વર્ષે 85,870 ટન વરિયાળી પાકશે. શિયાળામાં જ લેવાતા આ પાકનું હવે બજારમાં પણ આગમન શરૂ થયું છે.
ગુજરાતમાં ઈ.સ. 2021-22ના વર્ષમાં 36,780 હેક્ટરમાં વાવેતર થયું હતું અને પ્રતિ હેકટર સરેરાશ 1777 કિલોની ઉપજ સાથે 65,000 ટન વરિયાળી પાકી હતી તે સામે આ વર્ષે આજ સુધીમાં 51.000 હેક્ટરમાં વાવેતર થયું છે. જો કે આ વર્ષે પાકને થોડુ નુક્સાન જતા ઉત્પાદકતા પ્રતિ હેક્ટર 80 કિલો જેવી ઓછી રહી છે પરંતુ, સામે વાવેતર ૨૫ ટકા વધ્યું છે. ગત વર્ષે તા. 9 જાન્યુઆરી સુધીમાં 36,744 હેક્ટરમાં જ વાવણી થઈ હતી અને નોર્મલ સરેરાશ વાવેતર 40,650 હેક્ટર થતું હોય છે. આમ, ગત વર્ષ કરતા 14,000 હેક્ટર જેટલું વાવેતર વધ્યું છે જેના પગલે ગુજરાતમાં આ વર્ષે 20,000 ટન વધુ વરિયાળી બજારમાં ઠલવાશે. રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આજે 300 કિલો વરિયાળી સાથે આવક શરૂ થઈ હતી અને ખેડૂતોને પ્રતિ 20 કિલોના રૂ।. 2550થી 3111 ભાવ મળ્યા હતા. ગત સપ્ટેમ્બરમાં આ ભાવની રેન્જ મહત્તમ રૂ।. 2600 સુધી જ રહી હતી તે સામે આ વખતે સારા ભાવ મળી રહ્યા છે.

