વડોદરા કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીએ બજેટ મંજૂર કર્યું
- લાગત ચાર્જના દરમાં વધારો ફગાવી દીધો
- શહેરમાં 55 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઈટની સુવિધા સુધારાશે, 4 સ્માર્ટ રોડ બનાવાશે
વડોદરા, તા. 3 ફેબ્રુઆરી 2020 સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2020 અને 21નું બજેટ મ્યુનિસિપલ કમિશનરે અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું હતું. આ બજેટ રૂપિયા 3770 કરોડનું હતું. જેમાં કોર્પોરેશન દ્વારા અપાતી જુદી-જુદી સર્વિસના લાગત ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીએ બજેટમાં થોડા સુધારા વધારા કરી રૂપિયા 3769 કરોડનું બજેટ મંજુર કર્યું હતું.
બજેટ હવે જનરલ બોર્ડમાં અંતિમ મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યું છે, જ્યાં તારીખ 20 ફેબ્રુઆરી પહેલા મંજૂરી આપી દેવામાં આવશે. બજેટ મંજૂર કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું હતું કે કોર્પોરેશનની જુદી-જુદી સર્વિસ બદલ જે લાગત ચાર્જ લેવાય છે. તેમાં બજેટમાં વધારો સૂચવવામાં આવ્યો હતો, પરંતુ મોટાભાગની લાગતોમાં જે ભાવ વધારો સૂચવ્યો હતો. તે ફગાવી દેવામાં આવ્યો છે એટલે કે લોકો પર આડકતરો બોજો પણ નહીં આવે અને બજેટ સંપૂર્ણ કર દર વિનાનું મંજૂર કરવામાં આવ્યું છે.
સાથે-સાથે સ્ટેન્ડીંગ કમિટીએ કેટલાક સૂચનો પણ કર્યા છે. જેમાં ઈ વ્હીકલનો ઉપયોગ વધારવો કોર્પોરેશનના ચારેય ઝોનમાં સોલર પાવર જનરેશન કરવું ચાર સ્માર્ટ રોડ બનાવવા 7 ઓવરબ્રિજ બનાવવા આખા શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત સ્માર્ટ સ્ટ્રીટલાઈટ નવા અતિથિગૃહ બનાવવા આર્ટ ગેલેરી બનાવવી તળાવોનું મેન્ટેનન્સ કરવા પીપીપી ધોરણે ફાળવણી કરવી વગેરેનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સમગ્ર શહેરમાં અત્યારે 12 વોલ્ટેજની એલઇડી લાઇટો છે. તે બદલીને 20 વોલ્ટેજની નાખવી તેવો પણ નિર્ણય થયો છે.