લો બોલો... ટ્રાફિકના નિયમોનું 80% ઉલ્લંઘન ટ્રાફિક પોલીસ દ્વારા જ થાય છે..

- 14 દિવસમાં કુલ 179 પોલીસ કર્મચારીઓને દંડ કરવામાં આવ્યો હતો અને તે પૈકીના 134 ટ્રાફિક વિભાગ સાથે સંકળાયેલા હતા
અમદાવાદ, તા. 16 એપ્રિલ 2022, શનિવાર
એક જૂની કહેવત છે કે, વધારે સત્તા સાથે એટલી મોટી જવાબદારી પણ જોડાયેલી હોય છે. આ કહેવત 'સ્પાઈડર મેન'ના પાત્ર દ્વારા વધારે પ્રખ્યાત બની છે. આ એવા લોકો માટે શીખામણ સમાન વાત છે જે વહીવટી તંત્ર સાથે સંકળાયેલા છે, વધુ શક્તિ-સામર્થ્ય ધરાવે છે પરંતુ કોઈ ઉદાહરણજનક કામગીરી કરવામાં નિષ્ફળ સાબિત થાય છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં ખૂબ જ ચોંકાવનારી વાત સામે આવી છે. ડ્રાઈવ દરમિયાન જાણવા મળ્યું કે, મોટા ભાગના ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ ટ્રાફિક પોલીસવાળાઓ પોતે જ હોય છે.
ડ્રાઈવના પ્રથમ 14 દિવસ દરમિયાન નિયમભંગ મામલે પકડાયેલા લોકોની યાદી ડિસિપ્લીનરી એક્શન માટે જવાબદાર ડેપ્યુટી કમિશનરને સોંપવામાં આવી હતી. આ મામલે કુલ 179 પોલીસ કર્મચારીઓને દંડ કરવામાં આવ્યો હતો અને તે પૈકીના 134 ટ્રાફિક વિભાગ સાથે સંકળાયેલા હતા.
શહેર પોલીસ દ્વારા 26મી માર્ચથી 10મી એપ્રિલ દરમિયાન પોતાના કર્મચારીઓને લઈ ટ્રાફિકના નિયમભંગ અંગે એક ડ્રાઈવ યોજવામાં આવી હતી. ડેટા પ્રમાણે નિયમભંગના 80% જેટલા કેસ ટ્રાફિક વિભાગના કર્મચારીઓ સામે નોંધાયા હતા. આ ડેટા પરથી સૂચિત થાય છે કે, ટ્રાફિક વિભાગ પોતાના કર્મચારીઓ દ્વારા શિસ્તપાલન મામલે નિષ્ફળ રહ્યો છે.

