પંચમહાલના શહેરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્, લોકોના રોષ બાદ પાલિકાએ હાથ ધરી કામગીરી
Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં મુખ્ય હાઈવે માર્ગ પર રખડતા ઢોરોનો ત્રાસ વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે. આ રખડતા ઢોરો હાઈવે પર અડિંગો જમાવીને બેસી જતા હોવાથી અકસ્માતનો ભય સતત મંડરાતો રહે છે, જેના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
શહેરામાં રખડતા ઢોરનો ત્રાસ
શહેરાના મુખ્ય હાઈવે પર આવેલા બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ સામે, તેમજ અણીયાદ ચોકડી અને સિંધી ચોકડી સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરોનો અડિંગો સામાન્ય દૃશ્ય બની ગયો છે. આ સમસ્યાથી વાહનચાલકોની સુરક્ષા જોખમાય છે.
આ ગંભીર સમસ્યાને લઈને લોકોની વારંવારની ફરિયાદ બાદ આખરે શહેરા નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે રખડતા ઢોરોને પકડી પાડવાની કામગીરી શરૂ કરી છે. પાલિકા દ્વારા આ ઢોરોને પકડીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ એ છે કે શું આ કાર્યવાહી એક બે દિવસ પુરતી જ રહેશે કે સમયાંતરે પણ કરવામાં આવશે. આ સાથે રસ્તા પર રખડતા છોડી મૂકનાર ઢોર માલિકો સામે પણ કોઈ કાર્યવાહી થશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને હાઈકોર્ટ દ્વારા રસ્તા પરના રખડતા ઢોરોના ત્રાસ અંગે વારંવાર ફટકાર લગાવવામાં આવી છે. તેમ છતાં, અનેક વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ જોવા મળે છે, જે તંત્રની બેદરકારી અને હાઈકોર્ટના આદેશોને અવગણવા સમાન જણાય છે. આ કામગીરી કેટલી અસરકારક નીવડે છે અને રખડતા ઢોરના ત્રાસમાંથી વાહનચાલકોને કાયમી મુક્તિ મળે છે કે કેમ, તે જોવું રહ્યું.