બે વર્ષમાં રોડ મેં તોડી નાખ્યો, અત્યાર સુધી શું કરતાતા તમે : ધારાસભ્ય કલ્પેશ પરમારનો ઓડિયો વાયરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

MLA Kalpesh Parmar Audio Viral: ખેડા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા તકલાદી રોડ હવે જનપ્રતિનિધિઓ માટે મુશ્કેલીનો પર્યાય બની ગયા છે. જિલ્લાભરમાં ઠેર ઠેર ખાડાવાળા અને ધોવાઈ ગયેલા રસ્તાઓ પ્રજા માટે હાલાકીનું કારણ બન્યા છે. ત્યારે આ મામલે સ્થાનિક નેતાઓ, ધારાસભ્યોનો પ્રજા પ્રત્યેનો ઉદ્ધત વ્યવહાર ચર્ચાનો વિષય બન્યો છે. માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે વસ્તાણા લીંબાસી રોડ મુદ્દે કાર્યકર્તાને ઉદ્ધત જવાબ આપ્યાનો ઓડિયો વાઈરલ થયો છે.
ખેડા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત, સ્ટેટ તેમજ નેશનલ વિભાગ અંતર્ગતના મોટા ભાગના રોડની હાલત બિસ્માર બની ગઈ છે. ઠેર ઠેર ખાડાઓ અને ઉબડખાબડ રસ્તાઓ વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતને નોતરનારા બન્યા છે. એટલું જ નહીં, છેલ્લા બે-ત્રણ વર્ષમાં બનાવેલા નવા રોડ પણ ચોમાસાના પ્રારંભે જ ધોવાઈ જતાં હાલાકી ભોગવી રહેલા લોકો અધિકારીઓ અને નેતાઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે. ખેડા જિલ્લામાં બિસ્માર રોડનો મુદ્દો હવે જનપ્રતિનિધિઓ માટે ભારે મુશ્કેલી સર્જી રહ્યો છે.
આ પણ વાંચો: સુરતના ભાજપ કાર્યાલય ખાતે થયેલી બેઠકમાં બે કોર્પોરેટર બાખડ્યા : મહિલા કોર્પોરેટરોની હાજરીમાં જ ગાળાગાળી
માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારનો બિસ્માર રોડ મામલે પોતાના જ કાર્યકર્તાને ઉદ્ધત જવાબ આપતો ઓડિયો વાયરલ થયો છે. ભાજપના જ કાર્યકર્તા દ્વારા છેલ્લા બે વર્ષથી તૂટેલા રસ્તા બાબતે ધારાસભ્યનું ધ્યાન દોરતા કલ્પેશ પરમારે ઉદ્ધત જવાબ આપ્યો હોવાનો ઓડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે. ઓડિયો વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ગરમાવો આવવા સાથે ધારાસભ્યના વ્યવહાર સામે સવાલો ઉભા થયા છે. ભાજપના જ કાર્યકર્તાનો રોષ દર્શાવે છે કે આ મુદ્દો પક્ષની અંદર પણ અસંતોષનું કારણ બની રહ્યો છે.
પ્રજાના પૈસે બનેલા રોડ ટૂંકાગાળામાં તૂટતા સોશિયલ મીડિયા પર નેતાઓનો વિરોધ
બિસ્માર રોડની સમસ્યાને લઈને લોકો હવે રોડના ફોટા, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને નેતાઓની જવાબદારીઓ ફિક્સ કરવાની માંગણી કરી રહ્યા છે. પ્રજાના પૈસાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા રોડ જો ટૂંકા ગાળામાં જ બિસ્માર બની જતા હોય તો તેની જવાબદારી કોની? આ પ્રશ્નો સીધા જ સ્થાનિક પ્રશાસન, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને પૂછવામાં આવી રહ્યા છે.









