સુરતના ભાજપ કાર્યાલય ખાતે થયેલી બેઠકમાં બે કોર્પોરેટર બાખડ્યા : મહિલા કોર્પોરેટરોની હાજરીમાં જ ગાળાગાળી
Surat BJP : દેશની સૌથી મોટી અને શિસ્તબધ્ધ પાર્ટી કહેવાય છે તેવી ભાજપના બે કોર્પોરેટર ભાજપ કાર્યાલય ખાતે જાહેરમાં બાખડ્યા હતા. આ કોર્પોરેટરોએ મહિલા કોર્પોરેટરની પણ પરવાહ કર્યા વિના જાહેરમાં ગાળાગાળી કરી હતી. ભાજપ કાર્યાલય ખાતે થયેલી આ બબાલના કારણે ભાજપની આબરુના ધજાગરા ઉડી ગયા હતા અને સુરતના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સુરત ભાજપ કાર્યાલય ખાતે વડીલ વંદના કાર્ડના વિતર માટે વિવિધ ઝોનની બેઠક રાખવામાં આવી હતી. આજે વોર્ડ નંબર 19-2021 અને 22 માટે બેઠક હતી અને બેઠક બાદ ભોજન સમારંભ પણ યોજાયો હતો. આ ભોજન સમારંભમાં જ મહિલા અને પુરુષ મળી 15થી વધુ કોર્પોરેટરોની હાજરીમાં જ ભાજપના કોર્પોરેટર દિપન દેસાઈ અને વ્રજેશ ઉનડકટ બાખડી પડ્યા હતા એટલું જ નહી પરંતુ જાહેરમાં એક બીજાને ગાળો દેતા પણ નજરે પડ્યા હતા.
ભાજપ કાર્યાલય પર થયેલી બેઠકમાં થયેલી આ બબાલ સુરત ભાજપમા ચાલતી જુથબંધીને ખુલ્લી કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિપન દેસાઈએ વ્રજેશ લારી કમિટિનો ચેરમેને છે તેવી ટીપ્પણી કરી હતી. તો આ અંગે વ્રજેશ ઉનડકટે દિપનને ઠપકો આપ્યો હતો અને સામે જવાબ આપ્યો હતો જેના કારણે વાત પરથી ગાળાગાળી પર વાત પહોંચી ગઈ હતી. એક તબક્કે દિપન દેસાઈએ એવું કહી દીધું હતું કે, હું તો શોખથી કોર્પોરેટર બન્યો છું મારે કોઈની પડી નથી તારા જે આકા હોય તેને કહી દેજે. તેની સામે ઉનડકટે પણ જવાબ આપ્યો હતો બન્ને વચ્ચે મહિલા કોર્પોરેટરોની હાજરીમાં ગાળા ગાળી અને ગરમાગરમી થઈ હતી તેના કારણે મહિલા કોર્પોરેટરો સ્તબ્ધ થઈ ગયાં હતા. હાજર રહેલા કોર્પોરેટરો અને અન્ય નેતાઓએ આ બન્નેને માંડ છોડવ્યા હતા. આ ઘટના બની ત્યારે ભાજપ કાર્યાલય પર ભોજન સમારંભમાં મહિલા કોર્પોરેટર કૈલાશબેન સોલંકી, ડિમ્પલ કાપડીયા, સુમન ગડીયા, સંજય દલાલ, અશોક રાંદેરીયા, નરેશ રાણા, હિમાંશુ રાઉલજી તથા અન્ય કેટલીક નેતાઓ હાજર હતા.
પોતાને શિસ્તનો આગ્રહી ગણાવત પ્રમુખ પરેશ પટેલ જ્યાં બેસે છે તે ભાજપ કાર્યાલય ખાતે ભાજપના બે જુથના કોર્પોરટેરો જાહેરમાં બાખડતા ભાજપની શિસ્તના લીરેલીરા ઉડી ગયાં છે. ભાજપ કાર્યાલય પર જ બનેલી આ ઘટના સુરતના રાજકારણમાં હોટ ટોપિક બની ગઈ છે. જોકે, હવે શહેર પ્રમુખની આબરૂ પણ દાવ પર લાગી છે ભાજપ કાર્યાલય પર બનેલી આ ગંભીર ઘટના બાદ બન્ને કોર્પોરેટરોને માત્ર ઠપકો આપવામા આવે છે કે આકરા પગલાં ભરવામા આવે છે તે ચર્ચાનો વિષય બન્યો છે.