વડોદરા મંગળ બજાર આસપાસ લારી ગલ્લા અને પાથરણાના દબાણોની સમસ્યા ત્રાસદાયક
- કોર્પોરેશન પાસે સમસ્યા ઉકેલવા કોઇ ધારાધોરણો નથી
- હવે રેલિંગ ફીટ કરવાનું શરૂ કર્યું
વડોદરા, તા. 6 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર
વડોદરા શહેરના મંગળ બજાર અને આસપાસના વિસ્તારોમાં લારી ગલ્લા પાથરણા અને દુકાનદારો દ્વારા ફૂટપાથો પર થતા દબાણોની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. કોર્પોરેશન દ્વારા પોલીસની મદદ મેળવીને દબાણ હટાવવા છેલ્લા કેટલાક દિવસથી કામગીરી ચાલી રહી છે.
હવે કોર્પોરેશને આ વિસ્તારમાં રોડ પર દબાણો ન થાય તે માટે ફૂટપાથની સમાંતર રેલિંગ ફીટ કરવાનું નક્કી કર્યું છે અને આજથી કામગીરી શરૂ કરી છે. લેરીપુરા ગેટ પાસે ખજૂરી મસ્જિદની સામે જ્યાં પાર્કિંગની જગ્યા છે. તે અગાઉ સાંકડી કરી દેવામાં આવી હતી ત્યાં હવે રેલિંગ મૂકીને જગ્યા વધુ ખુલ્લી કરી દેવાશે.
પહેલા આવું જ હતું પણ રોડ પર દબાણ થતાં આ સમસ્યાથી છુટકારો મેળવવા, રોડ પહોળો કરવા, પાર્કિંગની જગ્યા સાંકડી કરતા પાથરણાવાળાઓએ રોડ પર હંગામી દબાણો ઉભા કરવાનું ચાલુ કરી દીધું હતું. અહીં હવે રેલિંગ થતા જુલેલાલ મંદિર વાળા રોડ પર પણ ફૂટપાથને સમાંતર રેલિંગ મારી દેવાશે. હકીકતમાં કોર્પોરેશન આ વિસ્તારમાં દબાણોની સમસ્યા કાયમી ધોરણે ઉકેલવામાં નિષ્ફળ રહી છે અને અવારનવાર પ્રયોગો કર્યા કરે છે.
રેલિંગથી પ્રશ્નો ઉકેલાવાનો નથી દબાણો થાય જ નહીં તે માટે કોર્પોરેશન સખતાઈથી કામ લઈ શકતું નથી. અગાઉ પદ્માવતી પાછળ રોડ પરથી બસ સહિતના ફોર વ્હીલરનો ટ્રાફિક ચાલુ કરાવ્યો હતો તે બંધ કરાવી દીધો હતો.
પદ્માવતી નીચે રોડ બંધ કરાવ્યો તે ફરી પાછો ચાલુ કરાવ્યો હકીકતમાં કોઇ ધારાધોરણો છે જ નહીં માંડવીથી પાણીગેટ રોડ પહોળો કરી વોલ ટુ વોલ કાર્પેટ કરી પણ ત્યાં ફુટપાથ નથી.
15 મીટર પહોળા રોડ પર વચ્ચે ડીવાઈડર મૂકી રોડ સાંકડો કરી નાખ્યો છે. 18 મીટર રોડ પહોળો હોય તો જ ડિવાઈડર મૂકી શકાય હાલ ફૂટપાથ નથી. રોડની બંને બાજુ પાર્કિંગ છે અને લોકોને રોડની વચ્ચેથી ચાલવું પડે છે.