અલંગમાં આવતા શિપની સંખ્યા 6 માસ બાદ ફરી સિંગલ ડિજિટમાં

- એપ્રિલ- 2025 માં અલંગમાં માત્ર 9 શિપ આખરી સફરે આવ્યા
- મંદીના માહોલ વચ્ચે શિપ બ્રેકરો નુકસાનના જોખમથી દૂર રહેવા મોટા જહાજો લાવવાનું ટાળી રહ્યાં છે
અલંગમાં ગત સપ્ટેમ્બર ૨૦૨૪માં ૭ શિપે પોતાની આખરી સફર ખેડી હતી. જે બાદ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના અંતિમ બે ક્વાર્ટરમાં શિપોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી હતી અને આંકડો ડબલ ડિઝિટમાં થતાં શિપ બ્રેકિંગ વ્યવસાય સાથે જોડાયેલા વેપાર-ધંધામાં થોડી ગતિ જોવા મળી હતી. પરંતુ ૬ મહિના બાદ ફરી શિપની સંખ્યા સિંગલ ડિઝિટમાં આવી ગઈ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ માસ એપ્રીલ-૨૦૨૫માં અલંગમાં માત્ર ૯ શિપ બીચ થયાં છે અને આ ૯ શિપમાં મોટાભાગના શિપ નાના છે. મંદીના માહોલ વચ્ચે શિપ બ્રેકરો નુકસાનના જોખમથી દુર રહેવા મોટા જહાજો લાવવાનું ટાળી રહ્યાં છે. ગત મહિને આવેલા કુલ ૯ શિપમાંથી ૭ શિપ પાંચ હજાર એલડીટી (એમટી)થી ઓછા વજનના છે. આંતરરાષ્ટ્રીય બજારમાં શિપની ઓછી અવેલેબિલિટી ઉપરાંત પાકિસ્તાન તથા બાંગ્લાદેશ સાથેની સ્પર્ધાને લીધે શિપ ઘટી રહ્યાં છે. ઉપરાંત શિપમાંથી નિકળતી પ્લેટ તથા અન્ય વસ્તુઓનું વેચાણ થાય તેમાં વધારે સમય જતો હોવાથી ધીમી-ધીમી આર્થિક ગતિવિધિઓ શરૂ રાખવા શિપ બ્રેકરો હાલ મોટા જહાજો લાવીને મોટું જોખમ ખેડવાના મુડમાં નથી. હાલ અલંગના ૨૫થી ૩૦ પ્લોટમાં શિપ બ્રેકિંગની કામગીરી ચાલી રહી છે. જુન-૨૦૨૫ના અંત સુધીમાં હોંગકોંગ કન્વેન્શલ લાગૂ થયાં બાદ ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધીમાં અલંગમાં તેજીની આશા શિપ બ્રેકરો સેવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અલંગમાં કોરોનાકાળ બાદથી શિપની સંખ્યા સતત ઘટી રહી છે. આવી સ્થિતિ વચ્ચે તેજીના આશાવાદ સાથે ભાવનગરનો શિપ રિસાયકલિંગ ઉદ્યોગ ધીમી ગતિએ ચાલી રહ્યો છે ત્યારે ફરી આ ઉદ્યોગ ધમધમતો થાય તો જિલ્લાની મંદ પડેલી આર્થિક ગતિવિધિ ધમધમતી થશે.
8 માસમાં અલંગમાં આવેલા શિપની વિગત
|
માસ |
શિપ |
|
સપ્ટેમ્બર |
૦૭ |
|
ઓક્ટોબર |
૧૨ |
|
નવેમ્બર |
૧૪ |
|
ડિસેમ્બર |
૧૦ |
|
જાન્યુઆરી |
૧૦ |
|
ફેબુ્રઆરી |
૧૦ |
|
માર્ચ |
૧૧ |
|
એપ્રીલ |
૦૯ |

