પ્રેમસંબંધમાં ઠપકો આપનાર કાકા પર સગી ભત્રીજીએ પ્રેમી સાથે મળી ચપ્પુ માર્યુ

- મોટા ભાઇના મૃત્યુ બાદ પ્રેમી ભત્રીજીના ઘરે જ રહેતો હતો, જે કાકાને પસંદ નથીઃ પ્રેમીપંખીડા તરૂણ વયનાઃ હુમલો કરી બંને ફરાર
સુરત
સહારા દરવાજા વિસ્તારમાં રહેતા યુવાને તેની સગીર ભત્રીજીને તેના પ્રેમસંબંધ અંગે ઠપકો આપતા ભત્રીજી અને તેના પ્રેમીએ ચપ્પુ વડે હુમલો કરી જાંઘના ભાગે ઇજા પહોંચાડી ભાગી જતા મહિધરપુરા પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સહારાદરવાજા સ્થિત સંગમ ટેકરી વિસ્તારમાં રહેતા અને સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતો હરકેશભાઈ સતનામ ગુપ્તા (ઉ.વ. 30) ગત રાત્રે જમ્યા બાદ દસ વાગ્યાના અરસામાં સહારા દરવાજા ગરનાળા નજીક એસએમસી બિલ્ડીંગના ગેટ પાસે બેઠો હતો. ત્યારે હરકેશના સ્વર્ગસ્થ મોટા ભાઇની 17 વર્ષની પુત્રી કામીની (નામ બદલ્યું છે) તેના પ્રેમી 17 વર્ષના પ્રેમી મીતેશ (નામ બદલ્યું છે) સાથે મોપેડ પર ઘસી આવી હતી. હરકેશે કામીનીને મીતેશ સાથે પ્રેમસંબંધ નહીં રાખવા સમજાવી રહ્યા હતા ત્યારે કામીની અને મીતેશે ચપ્પુ વડે હુમલો કરી જાંઘના ભાગે ઇજા પહોંચાડી ભાગી ગયા હતા. ઉલ્લખેનીય છે કે હરકેશના મોટા ભાઇનું બે વર્ષ અગાઉ અવસાન થયું હતું. ત્યાર બાદથી મીતેશ કામીનીના ઘરે જ રહે છે અને આ બાબત હરકેશને પસંદ નથી. જેથી ગત બપોરે હરકેશે ભત્રીજી કામીનીને ઠપકો આપવા ફોન કર્યો હતો. જેની અદાવતમાં ચપ્પુ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.




