યુનિવર્સિટીમાં છેવટે M.Phill અને Ph.Dની પ્રવેશ પ્રક્રિયાનું મુહૂર્ત નીકળ્યું
પીએચ.ડીના 29 વિષયોમાં 333, એમ.ફીલના 27 વિષયો માટે 278 બેઠકો માટે તા.31 ઓગષ્ટ સુધી અરજી કરવાની રહેશે
સુરત તા. 31 જુલાઇ 2020 શુક્રવાર
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ 2020માં લેવાનારી એમ.ફીલ અને પીએચ.ડીની પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયા અંતે શરૂ કરવામાં આવી છે. જેમાં પીએચ.ડીના 29 વિષયોમાં 333 જયારે એમ.ફીલના 27 વિષયો માટે 278 બેઠકો ઉપરથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે.
આગામી તા. 23 ઓગષ્ટના રોજ નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાની ટર્મ પૂર્ણ થઇ રહી હોવાથી તમામ પ્રકારની કામગીરીને વેગવંતી કરવામાં આવી છે. ત્રણ વર્ષથી વધુ સમયથી ઇન્ચાર્જ રજીસ્ટ્રારથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું હતું તે રજીસ્ટ્રારની નિમણુંક માટે ગત રોજ જાહેરાત કર્યા બાદ આજે એમ.ફીલ અને પીએચ.ડીની પ્રવેશ પ્રક્રિયાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેના માટે ઉમેદવારો તા. 31 ઓગષ્ટ સુધી અરજી કરી શકશે. પીએચ.ડીના 29 વિષયોમાં 333 બેઠકોમાં સૌથી વધુ કેમેસ્ટ્રીમાં 44, બાયોસાયન્સમાં 40, કોમર્સમાં 29, ઇકોનોમિક્સમાં 22 અને હિન્દીમાં 21 બેઠકો ફાળવવામાં આવી છે. એમ.ફીલની 278 બેઠકો પૈકી 25 ટકા બેઠકો જેઆરએફ, નેટ, સ્લેટ અને જીએટીઇના સફળ ઉમેદવારો માટે રિઝર્વ રાખવામાં આવી છે. જયારે અન્ય બેઠકોમાં સૌથી વધુ બેઠકો કમ્પેરેટીવ લિટરેચરમાં 11, કોમ્પ્યુટર સાયન્સમાં 12, ગુજરાતીમાં 16 તેમજ મેનેજમેન્ટમાં 10 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી દ્વારા એસ.ઇ.બી.સી અને ઇ.ડબલ્યુ.એસ કવોટાનો પણ સમાવેશ કરવાની સાથે રોસ્ટર સિસ્ટમ અપનાવતા આશ્ચર્યજનક રૂપે એસ.સી, એસ.ટીની બેઠકોમાં ઘટાડો થઇ જશે.
વર્ષ 2019-20ના પી.જીના છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને તક મળે તેવી વ્યવસ્થા કરો
એમ.ફીલ, પીએચ.ડી માટે ઉમેદવારી કરવાની છેલ્લી તા. 31 ઓગષ્ટ છે. જયારે બીજી તરફ કોવિડ 19ના કારણે શૈક્ષણિક વર્ષ 2019-20ના પી.જીના છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની બાકી છે. આ વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપવાની તક ચૂકે નહિ તે માટે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રોવિઝનલ સર્ટીફીકેટ આપવા અથવા વિદ્યાર્થીઓ પી.જીના છેલ્લા સેમેસ્ટરનું પરિણામ આવ્યાના 15 દિવસમાં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન એપ્લિકેશન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાની માંગણી કરી છે.
દર છ મહિને M.Phill, Ph.Dની પરીક્ષા યોજવામાં કુલપતિ નિષ્ફળ
યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો તા. 23 ઓગષ્ટ 2017ના રોજ હોદ્દો સંભાળનાર ડો. શિવેન્દ્ર ગુપ્તાએ દર છ મહિને એમ.ફીલ અને પીએચ.ડીની પ્રવેશ પ્રક્રિયા યોજવાની મોટા ઉપાડે જાહેરાત કરી હતી. પરંતુ જે રીતે તેમનો કાર્યકાળ વિવાદોથી ઘેરાયેલો રહ્યો હતો તેવી જ રીતે તેઓ એમ.ફીલ અને પીએચ.ડીની દર 6 મહિને પરીક્ષા યોજવામાં નિષ્ફળ ગયા છે. તેમણે જે જાહેરાત કરી હતી તે મુજબ 3 વર્ષની ટર્મમાં 6 વખત પરીક્ષા યોજવાને બદલે માત્ર 2 વખત જ પરીક્ષા યોજી શકયા છે. તેમના કાર્યકાળમાં માર્ચ 2018 અને ત્યાર બાદ જુન 2019માં પરીક્ષા યોજાય હતી. ત્યાર બાદ આજે જાહેરાત કરવામાં આવી છે.