ભરૃચના બ્રેઇનડેડ યુવાનનું હૃદય મુંબઇના વૃધ્ધમાં ધબકતું કરાયું
- વાવાઝોડા વચ્ચે અંગદાન
- ભરૃચના
દયાનંદ વર્માના હૃદય, કિડની, લીવર અને ચક્ષુના દાનથી છ વ્યક્તિને નવજીવન
અને રોશની મળી
સુરત, :
ભરૃચમાં રહેતા ૪૨ વર્ષીય યુવાનને બ્રેઈનડેડ થયા બાદ હૃદય,કિડની, લીવર અને ચક્ષુનું દાન કરીને છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
મુળ ઉતરપ્રદેશમાં બલીયાના વતની અને હાલમાં ભરૃચના હાંસોટમાં ખરચગામમાં સુર્યકિરણ સોસાયટીમાં રહેતા ૪૨ વર્ષીય દયાનંદ શિવાજી વર્મા ઘર પાસે આવેલી કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. જોકે ગત તા.૧૨મીએ સવારે બાથરૃમમાં પડી જતા બેભાન થઇ જતા સારવાર માટે કોસંબાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેમનું સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. બાદ તેમને વધુ સારવાર માટે ગત તા.૧૩મીએ સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયાં ગત તા.૧૪મીએ ન્યુરોસર્જન સહિતના ડોક્ટરની ટીમે દયાનંદને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. આ અંગે ડોનેટ લાઈફની ટીમે જાણ થતા હોસ્પિટલ પહોંચી તેમના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યુ હતું. જેથી ડોકટરોની ટીમે તેમના હૃદય, લિવર, કિડનીની દાન સ્વીકાર્યુ હતુ અને લોકદ્રષ્ટી ચક્ષુબેન્કે ચક્ષુદાન સ્વીકાર્યુ હતુ.
જયારે સુરતની હોસ્પિટલથી મંબઇનું ૨૯૮ કિલોમીટરનું અંતર ૮૫ મીનીટમાં હવાઇ માર્ગે કાપીને દાનમાં મળેલા હૃદયનું મુંબઇમા ંબોરીવલીમાં રહેતા ૬૫ વર્ષીય વ્યક્તિમાં મુંબઇની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ સાથે દાનમાં મળેલા લિવર ખંભાતમાં રહેતા ૫૫ વર્ષીય વ્યકિતમાં અમદાવાદની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યુ હતુ. જયારે બે કિડની જરૃરીયામંદ વ્યકિતમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. જયારે દયાનંદની પત્ની શાંતિદેવી છે.તેમને સંતાનમાં એક પુત્ર રવિ (ઉ-વ-૨૩) અને રાજદયાનંદ (ઉ-વ-૧૮) છે.