mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

જામનગરના સખી મંડળની બહેનોએ ડિઝાઇન કરેલા ગરબા બન્યા લોકોના આકર્ષણનું કેન્દ્ર

Updated: Oct 13th, 2023

જામનગરના સખી મંડળની બહેનોએ ડિઝાઇન કરેલા ગરબા બન્યા લોકોના આકર્ષણનું કેન્દ્ર 1 - image


ડીઆરડીએ અને જીએલપીસી દ્વારા જામનગરની સ્વ સહાય જૂથોની બહેનોને વિના મૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવતાં મહિલાઓ સ્વનિર્ભર બની રહી છે 

ગામડાની મહિલાઓને બહાર નીકળી રોજગારી મેળવવાની તક આપવા બદલ સરકારનો આભાર : બિરાજબેન છાપીયા (અંબિકા સ્વ સહાય જુથના સભ્ય)

જામનગર, તા. 13 ઓક્ટોબર 2023 શુક્રવાર

નવરાત્રીમાં માટીના ગરબાનું અનોખું મહત્વ છે. ધાર્મિક માન્યતા મુજબ પંચ મહાભૂત કહેવાતી માટીમાં શક્તિનો વાસ હોય છે. આથી નોરતામાં માટીનો ગરબો રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. માટીના ગરબા બનાવવા પાછળ ગરબા બનાવનાર અને તેમાં ડિઝાઇન કરનાર લોકોની ઘણી મહેનત હોય છે. અગાઉ માટીમાંથી બનાવેલા ગરબાનું નવરાત્રિના સમય દરમિયાન બહેનો દ્વારા ઘરમાં સ્થાપન કરીને તેની પૂજા કરવામાં આવતી હતી. આજના આધુનિક યુગમાં પણ ગુજરાતીઓએ પોતાની આ પરંપરા જાળવી રાખીને બદલતા જતાં યુગને અપનાવ્યો છે. જેની સાથે નવરાત્રિના તહેવાર દરમિયાન અવનવી ડિઝાઇન અને રંગબેરંગી ગરબાઓ બહેનોની પસંદગી બન્યા છે. 

જામનગરના સખી મંડળની બહેનોએ ડિઝાઇન કરેલા ગરબા બન્યા લોકોના આકર્ષણનું કેન્દ્ર 2 - image

જામનગરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ થકી બહેનો રોજગારી મેળવી શકે તે હેતુથી ખોડિયાર કોલોની વિસ્તારમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે સ્ટોલનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જેમાં સ્વ સહાય જૂથોની બહેનોને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. અને લોન તેમજ અન્ય સહાય પણ આપવામાં આવી છે. જેના થકી બહેનો સ્વનિર્ભર બની રહી છે. નવરાત્રી અને દિવાળીના તહેવારોને અનુલક્ષીને ગરબા, ચણિયાચોળી, જ્વેલરી તેમજ ગૃહ શુશોભનની બહેનોએ બનાવેલી વસ્તુ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 

જામનગરના સખી મંડળની બહેનોએ ડિઝાઇન કરેલા ગરબા બન્યા લોકોના આકર્ષણનું કેન્દ્ર 3 - image

નવરાત્રિનો તહેવાર આવી રહ્યો હોવાથી અંબિકા સ્વ સહાય જૂથોની બહેનો દ્વારા વિવિધ ડિઝાઇનના ગરબાઓ બનાવવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના મોખાણા ગામે ૧૦ બહેનો થકી ચાલી રહેલ અંબિકા સ્વ સહાય જુથના સભ્ય બિરાજબેન છાપીયા જણાવે છે કે તેમના ગ્રૂપની બહેનો દ્વારા વિવિધ વસ્તુઓ ઉપર શુશોભન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રિનો તહેવાર હોય તેઓ માતાજીના ગરબા ઉપર અવનવી ડિઝાઇન કરી ગરબા શણગારવાનું કામ કરી રહ્યા છે. અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની હેઠળ વિનામૂલ્યે સ્ટોલ ઊભા કરી આપવામાં આવ્યા છે. અને આ સ્ટોલ પર ગરબાનું વેચાણ કરી સ્વનિર્ભર બન્યા છે. તેઓ વધુમાં જણાવે છે કે, અમે ગામડાઓમાં આ પ્રકારની કામગીરી કરીએ તો વ્યાપક ઓળખ ન મળે પરંતુ સરકારના પ્રયાસો દ્વારા ગામડાની મહિલાઓ શહેરોમાં પોતાની કળા અને આવડત દ્વારા રોજગારી મેળવી રહી છે અને અમને એક નવી ઓળખ મળી છે. સ્વ સહાય જૂથો થકી અનેક મહિલાઓ આત્મનિર્ભર બની છે. તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું.

Gujarat