વડોદરા કોર્પોરેશને બનાવેલી પાર્કિંગ પોલીસીની દોઢ વર્ષથી ચૂંટાયેલી પાંખ મંજૂરી આપતી નથી

- સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે વહેલી તકે પાર્કિંગ પોલિસીને મંજૂરી આપવા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની વધુ એક પુરવણી દરખાસ્ત
વડોદરા, તા. 5 સપ્ટેમ્બર 2021 રવિવાર
ગુજરાતમાં આવેલા તમામ શહેરોમાં પાર્કિંગ પોલીસી અંગે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગત તારીખ 3જી ના રોજ અધિક મુખ્ય સચિવે બોલાવેલી વિડીયો કોન્ફરન્સમાં ડ્રાફ્ટ પાર્કિંગ પોલિસીને આખરી મંજૂરી આપી સરકારમાં મોકલવા સૂચના આપી હતી તે આધારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનુ તંત્ર એક્શન માં આવ્યું છે ત્યારે દોઢ વર્ષ પૂર્વે મોકલેલી પાર્કિંગ પોલિસીની દરખાસ્ત કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખે મંજૂર કરી નથી જેથી હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શાલિની અગ્રવાલ સુપ્રીમ કોર્ટના આદેશ અંગે વહેલી તકે પાર્કિંગ પોલિસીની દરખાસ્ત મંજૂર કરવા વધુ એક પુરવણી દરખાસ્ત રજુ કરી હોવાનું જાણવા મળે છે.
ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા વર્ષ 2018 માં પાર્કિંગ પોલીસી બનાવવા સૂચના આપી હતી તે આધારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુરત પેટર્ન પ્રમાણે પાર્કિંગ પોલીસી બનાવી હતી તે સમયે કોર્પોરેશન દ્વારા લોકો પાસેથી જરૂરી સૂચનો પણ મંગાવવામાં આવ્યા હતા ત્યારબાદ તે સમગ્ર ડ્રાફ્ટ પાર્કિંગ પોલિસી ની માહિતી સાથે ની તારીખ 23 /3/2020 ના રોજ સમગ્ર સભા માં મંજૂરી માટે એક દરખાસ્ત મોકલવામાં આવી હતી પરંતુ પાર્કિંગ પોલીસી અંગે કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખે કોઇપણ જાતનો નિર્ણય કર્યો ન હતો અને દરખાસ્ત અભરાઈ પર ચડાવી દેવામાં આવી હતી.
તાજેતરમાં પાર્કિંગ પોલિસીના સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસમાં તારીખ 1/9/ 2021 ના રોજ કરેલા હુકમ માં તારીખ 14મી સપ્ટેમ્બર સુધીમાં સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકારના ત્રણ વિભાગના સચિવને એફિડેવિટ રજૂ કરવા હુકમ કર્યો છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારની સુચના મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શાલિની અગ્રવાલ સમગ્ર સભામાં છેલ્લા દોઢ વર્ષથી અભરાઈ પર ચડાવેલી પાર્કિંગ પોલીસી અંગેની દરખાસ્તમાં વધુ એક પુરવણી દરખાસ્ત રજૂ કરી જણાવ્યું છે કે અધિક મુખ્ય સચિવ વિડીયો કોન્ફરન્સમાં આપેલી સુચના મુજબ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ડ્રાફ્ટ પાર્કિંગ પોલિસીને આખરી મંજૂરી મેળવી તાત્કાલિક સરકારમાં મોકલવા જણાવ્યું છે.

