For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તોડકાંડ અને ડમીકાંડના આરોપીઓની જેલ ટ્રાન્સફર માટેની અરજી કોર્ટે ફગાવી, હવે જેલ નહીં બદલાય

તોડકાંડના યુવરાજસિંહ જાડેજા સહિત 39 આરોપીઓ ભાવનગર જેલમાં જ રહેશે

Updated: May 5th, 2023

તોડકાંડ અને ડમીકાંડના આરોપીઓની જેલ ટ્રાન્સફર માટેની અરજી કોર્ટે ફગાવી, હવે જેલ નહીં બદલાય

ભાવનગરઃ ભાવનગરમાં ડમીકાંડ અને તોડકાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કુલ 39 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તમામ આરોપીઓ હાલ ભાવનગર જેલમાં બંધ છે. ત્યારે ડમીકાંડ અને તોડકાંડના મામલાના આરોપીઓ એક જ જેલમાં હોવાથી તેમની વચ્ચે કોઈ ઘર્ષણ ના થાય તે માટે જેલ ઓથોરિટી અને પોલીસ દ્વારા તોડકાંડના છ આરોપીઓની જેલ ટ્રાન્સફર માટે અરજી કરવામાં આવી હતી. આ અરજી આજે કોર્ટે ફગાવી દીધી છે. હવે તોડકાંડ અને ડમી કાંડના આરોપીઓ એક જ જેલમાં રહેશે. 

કોર્ટે જેલ ટ્રાન્સફરની અરજી ફગાવી દીધી
પ્રાપ્ત વિગતો પ્રમાણે  ભાવનગર SIT અને જેલ ઓથોરિટી દ્વારા કોર્ટમાં તોડકાંડના છ આરોપીઓની જેલ ટ્રાન્સફરની માંગણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લા જેલમાં હાલ અત્યારે તોડકાંડના 6 આરોપીઓ તથા ડમીકાંડના 33 આરોપીઓ જેલ હોવાને કારણે તોડકાંડના આરોપીઓની જેલ ટ્રાન્સફરની માંગણી કરવામાં આવી હતી. જેમાં SIT દ્વારા તોડકાંડના યુવરાજસિંહ જાડેજા, તેના સાળા કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ, બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા અને અલ્ફાઝખાન ઉર્ફે રાજુને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા જેલ ટ્રાન્સફરની અરજી ફગાવી દેવાતા હવે યુવરાજસિંહ સહિતના 39 આરોપીઓ ભાવનગર જેલમાં જ રહેશે.

પોલીસે તોડકાંડ મામલે એક કરોડમાંથી 84 લાખ રીકવર કર્યા
યુવરાજસિંહ અને તેના માણસો સામે 1 કરોડ રૂપિયાની ખંડણીની ફરિયાદ બાદ પોલીસે અત્યાર સુધીમાં 84 રિકવર કરી લીધા છે. જેમાં સૌ પ્રથમ યુવરાજસિંહના સાળા કાનભાએ તેમના મિત્રના ઘરે રાખેલા 38 લાખ રૂપિયા SITએ રિકવર કર્યા હતા. ત્યારબાદ યુવરાજસિંહના બીજા સાળા શિવુભાના મિત્રના ઘરેથી 25.50 લાખ અને પાંચ-પાંચ લાખ રૂપિયા ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદી પાસેથી રિકવર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 3 લાખ તેના બાતમી દારને આપ્યા હતા, શિવુભાએ પોતાની ફાર્મમાં 5 લાખ રૂપિયા નાખ્યા હતા, ત્યારબાદ યુવરાજસિંહે પોતાનું ઘર ખરીદવા માટે છ લાખ માટે આંગડીયું કરવા આપ્યા હતા જેમાંથી 89 હજાર રિકવરી કરવામાં આવી છે અને બાકીના ખર્ચાઓમાં થઈ 84 લાખ રિકવરી કરવામાં આવ્યા છે.

Gujarat