વોટીંગ કાર્ડનું ડુપ્લીકેશ અને બિલ્ડીંગની આકારણી અટકાવ્યાની અદાવત: મોરા ગામના ઉપસરપંચની હત્યા કરવા આવેલો કોન્ટ્રાક્ટ કિલર કુહાડી સાથે ઝડપાયો
- ઘરના આંગણામાં ઉભા રહી ગાળા-ગાળી કરતો હતો, સરપંચના પતિ ઉપસરપંચને શંકા જતા મિત્રોને તપાસ કરવા મોકલતા ષડયંત્ર બહાર આવ્યું
- મેરે સર પે હાથ રહેંગા કહી યુવાને હત્યાનો કોન્ટ્રાક્ટ લીધાની કબૂલાત કરી, જો કે પોલીસને વાત ગળે ઉતરતી નથી
સુરત
હજીરા રોડના મોરા ગામના ઉપસરપંચે યુપી અને બિહારના રહેવાસીઓના વોટીંગ કાર્ડના ડુપ્લીકેશનની કામગીરી તથા બિલ્ડીંગની આકારણી અટકાવ્યાની અદાવતમાં કુહાડી લઇ હત્યા કરવા આવનારને સરપંચ અને તેના મિત્રોએ ઝડપી પાડી ઇચ્છાપોર પોલીસને હવાલે કર્યો છે. જયારે હત્યાની સોપારી આપનાર તપોવન સ્કૂલના ટ્રસ્ટીની શોધખોળ હાથ ધરી છે.
ચોર્યાસી તાલુકાના મોરા ગામ ચાર રસ્તા નજીક રહેતા મોરા ગામના સરપંચ રંજનબેનના પતિ ભરત જમુભાઇ પટેલ (ઉ.વ. 47) ગત સાંજે ઘરે બેઠા હતા ત્યારે અજાણ્યો યુવાન ઘર તરફ જોઇ ગાળા-ગાળી કરતો હતો. જેથી ભરતે કિયુ ઘર કે સામને ખડા રહે કે ગાલી બોલતા હે, યહાં સે ચલા જે એમ કહેતા યુવાન ચાલ્યો ગયો હતો. જો કે ભરતે અને તેના મિત્ર મુકેશ પટેલ તથા અશ્વીન પટેલે યુવાનને આંતરી તલાશી લેતા તેની પાસેથી નાની કુહાડી મળી આવી હતી. કુહાડી અંગે પૂછપરથ કરા યુવાને તેણે કહ્યું હતું કે એક મહિને પહેલે તપોવન સ્કૂલ વાલે રાજકુમાર ગુપ્તાને તુમકો ઠોકને કો બોલા થા, મેં આજ તુમકો માર ડાલને કે લીયે તુમ્હારે ઘર પે આયા થા. જેથી ભરત ચોંકી ગયો હતો અને તુરંત જ પોલીસને જાણ કરતા ઇચ્છાપોર પોલીસ દોડી ગઇ હતી. પોલીસે યુવાનની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રાજા શંભુ શા હોવાનું અને મોરા ગામની તપોવન સ્કૂલના ટ્રસ્ટી રાજકુમાર ગુપ્તા (રહે. બિહાર) એ સોપારી આપ્યાની કબૂલાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે છ મહિના અગાઉ ભરતે તપોવન સ્કૂલમાં રાજકુમાર ગુપ્તાના ઇશારે બિહાર અને યુ.પીના રહેવાસીઓના વતનમાં વોટીંગ કાર્ડ હોવા છતા સુરતમાં પણ ઓનલાઇન ફોર્મ ભરી ડુપ્લીકેટ વોટીંગ કાર્ડ માટેની ઓનલાઇન પ્રક્રિયા અટકાવી ક્લેકટર અને ડી.ડીઓ તથા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ઉપરાંત મોરા ગામમાં રાજકુમાર દ્વારા બનાવવામાં આવી રહેલી બિલ્ડીંગની આકારણી ઉપસરપંચ ભરતે અટકાવી હતી. જેથી રાજકુમાર અને તેના પુત્ર તથા સ્કૂલના પ્રિન્સીપલ દિવાકરે તલાટીને ધમકી પણ આપી હતી. આ અદાવતમાં હત્યાની સોપારી આપ્યાનું બહાર આવતા પોલીસે રાજકુમારની શોધખોળ હાથ ધરી છે.