અગાઉ બે વખત રજીસ્ટ્રારની નિમણુંકમાં નિષ્ફળ કુલપતિએ ત્રીજી વખત જાહેરાત કરી
કુલપતિ ડો. ગુપ્તાની ટર્મ તા. 23 ઓગષ્ટે પૂર્ણ થઇ રહી છે, રજીસ્ટ્રાર માટે અરજીની છેલ્લા તા. 15 ઓગષ્ટ
સુરત તા. 30 જુલાઇ 2020 ગુરૂવાર
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલા રાજકીય આંતરિક કાવાદાવા વચ્ચે ત્રીજી વખત રજીસ્ટ્રારની નિમણુંક માટે જાહેરાત આપવામાં આવી છે. અગાઉ બે વખત જાહેરાત પ્રસિધ્ધ કર્યા બાદ દાવેદારી કરનાર ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી પરંતુ આશ્ચર્યજનક રૂપે ઇન્ટરવ્યુની પ્રક્રિયા કરવામાં આવી ન હતી.
નર્મદ યુનિવર્સિટીના તત્કાલિન કુલપતિ દક્ષેશ ઠાકરના અનુગામી બનેલા ડો. શિવેન્દ્ર ગુપ્તાએ શાસનકાળમાં યુનિવર્સિટી શિક્ષણ માટે નહીં પરંતુ રાજકીય કાવાદાવા માટે વધુ ચર્ચામાં રહેવા પામી છે. તેવા સંજોગોમાં આજ રોજ રજીસ્ટ્રારની નિમણુંક માટે કરવામાં આવેલી જાહેરાતને પગલે વધુ એક વખત શિક્ષણવિદોમાં ગણગણાટ શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના તત્કાલીન રજીસ્ટ્રાર જે.આર.મહેતા નિવૃત થયા બાદ તેમના અનુગામી માટે તત્કાલીન કુલપતિ દક્ષેશ ઠાકરે વર્ષ 2017માં રજીસ્ટ્રારની જાહેરાત બહાર પાડી હતી. જેમાં 18 જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી પરંતુ ભરતી પ્રક્રિયા આગળ વધે તે પહેલા જ કુલપતિ ઠાકરની ટર્મ પૂર્ણ થઇ ગઇ હતી. ત્યારબાદ તેમના અનુગામી ડો. શિવેન્દ્ર ગુપ્તાએ ભરતી પ્રક્રિયાને દફતરે કરી દીધી હતી. જો કે ત્યાર બાદ ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડો. અરવિંદ ધડુકને રાતોરાત હટાવી નિયમના વિરૂધ્ધ વર્ષ ૨૦૧૯માં એસએમસીના કર્મચારીને રજિસ્ટ્રારનો ચાર્જ સોંપ્યો હતો. પરંતુ વિવાદ થતા એસએમસીના કર્મચારી પાસેથી ચાર્જ આંચકી લેવામાં આવ્યો હતો. દરમ્યાનમાં ડો. ગુપ્તાએ જુલાઇ 2019માં રજીસ્ટ્રારની નિમણુંક માટેની જાહેરાત પ્રસિધ્ધ કરતા 15 જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી. આ અરજીઓની ચકાસણી કરી માન્ય અને ગેરમાન્ય ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી હતી. પરંતુ આશ્ચર્યરૂપ જેમની અરજી માન્ય રાખવામાં આવી હતી તેમના ઇન્ટરવ્યુ કરવાની પ્રક્રિયાને ટલ્લે ચઢાવી દઇ યુનિવર્સિટીના એજ્યુકેશન વિભાગના વડા ડો. રાજેન્દ્ર પટેલને રજીસ્ટ્રારનો વધારેનો ચાર્જ સોંપી દીધો હતો.
માનીતાના બેસાડવા જાહેરાત કરાય હોવાની ચર્ચા
યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકરના કાર્યકાળથી ઇન્ચાર્જથી રજીસ્ટ્રારનું ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. હાલના કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાએ અગાઉ બે વખત રજીસ્ટ્રાર માટેની જાહેરાત કરી હતી પરંતુ ઇન્ટરવ્યુ પ્રક્રિયાને ટલ્લે ચઢાવી દેતા હાલમાં પણ ઇન્ચાર્જથી ગાડુ ગબડી રહ્યું છે. તેવા સંજોગોમાં કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાની ટર્મ તા. 23 ઓગસ્ટના રોજ પૂર્ણ થઇ રહી છે. જેથી પોતાની ટર્મ પૂર્ણ થાય તે પહેલા પોતાના માનીતાને રજીસ્ટ્રાર તરીકે બેસાડવા માટે ખેલ કર્યો હોવાની ચર્ચા શિક્ષણવિદોમાં ચાલી રહી છે.