હડમતીયા ગામે બેલાની દિવાલ મામલે આપ અને ભાજપના કાર્યકર્તાઓ આમને-સામને, પોલીસનો કાફલો ખડકી દેવાયો
Gopal Italia: બે દિવસ પહેલાં જૂનાગઢના ભેસાણ તાલુકાના હડમતીયા (વીશળ) ગામે એક વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા અને ભાજપના સ્થાનિક નેતાઓ આમને-સામને આવી ગયા હતા. જોકે, આ વિવાદનું કારણે એક દીવાલ હતી. જેના કારણે ગામમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે આ વિવાદ હજુ ખતમ નથી થઈ રહ્યો અને મંગળવારે (29 જુલાઈ) ફરી બંને પક્ષના નેતા આમને-સામને આવી ગયા હતા. જેના કારણે પરિસ્થિતિ ન વકરે તે માટે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવું પડ્યું હતું.
આ પણ વાંચોઃ સુરતના પાંડેસરામાં સરકારી જગ્યા પરથી લારી-ગલ્લાનું દબાણ હટાવવા જતા પાલિકાની ટીમ પર હુમલો
શું હતી ઘટના?
નોંધનીય છે કે, બે દિવસ પહેલાં ગોપાલ ઈટાલિયા દ્વારા હડમતીયા (વીશળ) ગામમાં એક ઘરની બહાર ખડકી દેવામાં આવેલા બેલા હટાવી લેવાયા હતા. આ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ સ્થાનિક લોકોને આ પરિવારની મદદ કરવા અને તેમનો સાથ આપવા માટે અપીલ કરી હતી. જોકે, ત્યારબાદ આ બેલાનું રાજકારણ ગરમાયું હતું.
8 વર્ષ જૂનો વિવાદ
ભેસાણ તાલુકાના વિશળ ગામમાં હલાણ (આવવા-જવાનો રસ્તો)ને લઈને બે પરિવારો વચ્ચે છેલ્લાં 8 વર્ષથી વિવાદ ચાલે છે અને આ વિવાદ હાલ કોર્ટમાં છે. જોકે, આ દરમિયાન આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ગામમાં હલાણ બંધ કરવા માટે ડેલી આડા રાખેલા બેલાને ખસેડી નાંખતા વિવાદ વકર્યો હતો. બેલા હટાવતા ઈટાલિયાએ કહ્યું કે, 'હું આ બેલા હટાવું છું અને જોઉં છું કે, પાછા કોણ આ અહીં મૂકે છે.'
જોકે, ઈટાલિયાના બેલા હટાવ્યાની થોડી જ વાર બાદ એ જ રાત્રે ગામની પંચાયત ટીમ અને ઉપ પ્રમુખે આવીને ફરી બેલા ગોઠવી દીધા અને હલાણ બંધ કરી દીધા. તેમજ કહ્યું કે, આ કેસ હાલ કોર્ટમાં છે સાથે મામલતદારનો ઠરાવ પણ છે કે આ પરિવારનું હલાણ આ તરફ નથી, તેથી ઈટાલિયાએ વચ્ચે ન પડવું જોઈએ.
ગોપાલ ઈટાલિયાને આપી ચેલેન્જ
આ સાથે ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ પણ આપવામાં આવી હતી કે, તારામાં તાકાત હોય તો બેલા ફરી હટાવીને બતાવ. આ મુદ્દાએ 28 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર આખા ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી હતી. જોકે, વિવાદ મોટો થતા હાલ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયું છે.