સુરતમાં ચાની લારી ચલાવતા દંપતી અને મનપા કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ, પોલીસ સાથે પણ ઝપાઝપી
Surat News: સુરત પાલિકા વિસ્તારમાં માથાભારે દબાણ કરનારાનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. પાલિકાના ઉધના ઝોનમાં પાંડેસરા વિસ્તારમાં સરકારી જગ્યા પર ન્યુસન્સ રૂપ બનેલા દબાણ હટાવવા માટે પાલિકાની ટીમ ગઈ હતી. ત્યારે માથાભારે તત્ત્વોએ પાલિકાની ટીમને ઘેરી લીધી હતી. પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો અને પાલિકા અને દબાણ કરનારા વચ્ચે ઝપાઝપી થઈ હતી. જોકે, સ્થિતિ વણસે તે પહેલાં પોલીસ બોલાવી લીધી હતી અને પોલીસ બંદોબસ્તના કારણે માંડ દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
સુરત પાલિકાના ઉધના ઝોનમાં પાંડેસરા ડી માર્ટ ખાતે સરકારી જમીન આવી છે અને કેટલાક માથાભારે તત્ત્વોએ આ સરકારી જગ્યામાં લારી ગલ્લાના દબાણ કરી દીધા હતા અને આસપાસના લોકો તથા વાહન ચાલકો માટે આ દબાણ ન્યુસન્સ રૂપ બની ગયા હતા. આ દબાણ અંગેની અનેક ફરિયાદ બાદ પાલિકા તંત્ર દ્વારા આજે દબાણ દુર કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે માથા ભારે દબાણ કરનારાઓ ભેગા થઈ ગયા હતા અને પાલિકાની કામગીરીનો વિરોધ કર્યો હતો. પાલિકાની ટીમ દબાણ દુર કરવાની કામગીરી શરૂ કરે તે પહેલાં મોટું ટોળું ભેગું થઈ ગયું હતું અને પાલિકાની ટીમને ઘેરી લીધી હતી.
માથાભારે દબાણ કરનારાઓએ પાલિકાની ટીમને ધક્કે ચઢાવી હતી. જોકે આવા વિરોધ છતાં પાલિકાની ટીમે લારી ઉચકવાની શરૂઆત કરી હતી. ત્યારે મહિલાઓ સહિત કેટલાક પુરુષોએ પાલિકાની ટીમ સાથે ધક્કામુક્કી કરી મારામારી શરૂ કરી દીધી હતી. જાહેર રસ્તા પર પાલિકાની ટીમ સાથે દબાણ કરનારાઓની છૂટાહાથની મારામારી જોવા મળી હતી. સ્થિતિ વણસે તે પહેલાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને મામલો ઠાળે પાડ્યો હતો.