શહેરમાં ઉઘાડ વચ્ચે તાપમાન 5.2 ડિગ્રી ઉંચકાયું, ત્રણ તાલુકામાં માવઠું

ચોમાસા પૂર્વે જ જિલ્લામાં સરેરાશ અઢી ઈંચથી વધુ પાણી વરસી ગયું
લઘુતમ તાપમાન પોણા ત્રણ ડિગ્રી વધ્યું, આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ
શહેરમાં ત્રણ દિવસ સતત કમોસમી વરસાદ વરસ્યા બાદ આજે ગુરૂવારે ઉઘાડ નીકળતા લોકોએ રાહત અનુભવી હતી. સાંજ સુધી સૂર્યનારાયણની હાજરના કારણે મહત્તમ તાપમાન ૫.૨ ડિગ્રી વધીને ૩૩.૪ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જો કે, તેમ છતાં પાછલા વર્ષોની તુલનામાં આજનું તાપમાન સરેરાશથી ૫.૯ ડિગ્રી નોંધાયું છે. જ્યારે રાત્રિના તાપમાનમાં પણ ૨.૮ ડિગ્રીનો વધારો થતાં લઘુતમ તાપમાન ૨૩.૦ ડિગ્રીએ પહોંચી ગયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા, પવનની ઝડપ ૨૪ કિ.મી. નોંધાઈ હતી. ભાવનગર ઉપરાંત વલ્લભીપુર, ઘોઘા, ગારિયાધાર, પાલિતાણા, મહુવા અને જેસરમાં પણ માવઠાંની બ્રેક રહી હતી. સાંજે ચાર કલાક બાદ ઉમરાળામાં આઠ મિ.મી., તળાજામાં અર્ધો ઈંચથી વધુ ૧૩ મિ.મી. અને સિહોરમાં એક મિ.મી. પાણી વરસ્યાનું ફ્લડ કંટ્રોલ વિભાગે જણાવ્યું હતું. બોટાદ જિલ્લામાં એક માત્ર રાણપુરમાં એક મિ.મી. કમોસમી વરસાદ થયો હતો.
વધુમાં હવામાન વિભાગ દ્વારા આવતીકાલ શુક્રવારે ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. ત્યારબાદ પણ સપ્તાહના અંત સુધી વાવાઝોડા અને વીજળી સાથે હળવોથી મધ્યમ વરસાદ રહેશે તેવું હવામાન વિભાગે પૂર્વાનુમાન લગાવ્યું છે.

