Tapi News: ગુજરાતમાં હાલ કાયદાનો ડર જાણે ગાયબ થઈ ગયો છે, નજીવી વાતોમાં ક્યાંક હુમલા થઈ રહ્યા છે તો ક્યાંક સમાજવાદ પર આવી બે જૂથો ઝઘડી રહ્યા છે. આવી જ એક ઘટના તાપીના કુકરમુંડા ગામના ખાટીક ફળિયામાં બની છે, બાઈક ચલાવવાની બાબતે બે જૂથ સામસામે આવી જતાં ગામમાં સ્થિતિ તંગ બની ગઈ, ભયંકર પથ્થરમારો થયો, એકબીજાના વાહનોમાં તોડફોડ થઈ, જોત જોતાંમાં ગામનું વાતાવરણ જૂથવાદમાં ડહોળાઈ ગયું.
12 લોકો ઘાયલ
બાદમાં બનાવની જાણ કરવામાં આવતા કુકરમુંડામાં પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા જે બાદ સ્થિતિ પર કાબૂ આવ્યો હતો, સમગ્ર ઘટનામાં 12 લોકો ઘાયલ થતાં તેમણે સારવાર અર્થે મહારાષ્ટ્રની ખાનગી હોસ્પિટલમાં જ્યારે કેટલાકને નિઝર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બાઈક રોક્યું, 30 થી 40 લોકોનું ટોળું સામસામે
બનાવની વિગત પર નજર કરીએ તો ઘટના ગત રાત્રિ એટલે 7 જાન્યુઆરીની છે, ફૈઝાન નામનો યુવક બાઇક લઈને જતો હતો ત્યારે તેને કેટલાક લોકો દ્વારા અટકાવવામાં આવ્યો હતો, બોલાચાલી બાદ મામલો મેદાને પડ્યો હતો, 30થી 40 લોકોનું ટોળું અચાનક ભેગું થઇ જતાં બંને તરફથી પથ્થરમારો થયો હતો, સાથે ઘરની બહાર પડેલા વાહનોમાં પણ બંને જૂથ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા જિલ્લા પોલીસ વડા સહિત એસઓજી અને પોલીસની ટીમો ગામમાં પહોંચી હતી. હાલ તાપી પોલીસે પથ્થરમારામાં સામેલ લોકો વિરુદ્ધ પગલાં લેવા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Dyspએ ઘટના અંગે શું કહ્યું?
Dyspના જણાવ્યા અનુસાર, 'ફૈઝાન નામનો યુવાન બજારમાં નીકળતો હતો ત્યારે કેટલાક લોકોએ તેને બજારમાં રોક્યો હતો, બાઇક ચલાવવા મામલે ઝઘડો થતા 40થી 50 લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં 12 લોકોને ઇજા તો કેટલાક વાહનોને નુકસાન થયું હતું. આ ઘટનામાં રાયોટિંગનો ગુનો દાખલ કરી આરોપીને અટક કરવાની કામગીરી હાથ ધરાઇ છે. ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ ગામમાં શાંતિ છે'


