અંધશ્રદ્ધામાં લૂંટાયો અમદાવાદનો પરિવાર: પાખંડી ભૂવો લાખોના દાગીના 'ગાયબ' કરી ગયો, પોલીસે કરી ધરપકડ
Ahmedabad News : અમદાવાદમાં અંધશ્રદ્ધાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગોતામાં રહેતા શખ્સે પોતાને ભૂવો જણાવીને ઘાટલોડીયાના એક પરિવાર સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપીએ ધાર્મિક વિધિના નામે સોનાના દાગીને એક પોટલીમાં નાખીને ઘરના અલગ-અલગ જગ્યાએ મુકતો હતો અને પછી પોટલી ખોલશો તો મોટું નુકસાન થશે તેમ કહીને પરિવારના 13.62 લાખથી વધુના સોનાના દાગીના પડાવી પાડ્યા હતા. સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાંત્રિક વિધિના બહાને લાખોના દાગીનાની ચોરી કરતો ભૂવો ઝડપાયો
અમદાવાદના ગોતામાં રહેતો અને મૂળ પાટણ જિલ્લાના કમાલપુર ગામનો ચંદ્રકાંત પંચાલ પોતે ભૂવો છે તેમ કહીને ધાર્મિક વિધિના નામ છેતરપિંડી કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પંચાલ તાંત્રિક વિધિને નામે ભોળા વ્યક્તિઓ ખાસ કરીને મહિલાઓનો વિશ્વાસ મેળવતો અને કૌટુંબિક વિવાદો ઉકેલવા અથવા ધાર્મિક પ્રથાઓ દ્વારા સંબંધીના માનસિક અથવા શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરવાનું વચન આપતો હતો.
ઘાટલોડિયાના હસમુખ પટેલે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ, ગોતા વંદેમાતરમ્ ખાતે રહેતા ભૂવાજી ચંદ્રકાંત પંચાલના ઘરે તેમના સંબંધી હેતલ પટેલ દર્શન કરવા જતા ત્યારે તેમને દીકરો મીતેષ સાથે જતો હતો. જ્યારે એક દિવસે હસમુખભાઈની પુત્રવધુને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓ ડોક્ટરની પાસે જવાની જગ્યાએ પંચાલ ભૂવા પાસે ગયા હતા. જેમાં ભૂવાએ તમારા ઘરમાં કોઈ મેલી વિદ્યા હોવાનું કહીને વિધિ કરવાનું જણાવ્યું હતું અને ઘરમાં રહેલા ત્રણ તોલાની સોનાની કંઠી, અઢી તોલાનું મંગળસુત્ર સહિતના સોનાના દાગીના એક પોટલીમાં રખાવ્યા હતા. આ પછી વિધિ કરવાની હોવાનું કહીને પોટલી ખોલસો તો નુકસાન થશે તેમ કહીને હસમુખ અને તેમના પરિવારને ડરાવતો હતો.
આ પણ વાંચો: ગુજરાતના 12થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 24x7 કંટ્રોલરૂમ શરુ કરવા સરકારની સૂચના
આ મામલે જ્યારે માંડલ પોલીસ દ્વારા હસમુખભાઈના પુત્ર મિતેષને પંચાલ ભૂવો તાંત્રિક વિધિના નામે સોનાના દાગીના ચોરી લેતો હોવાનું જાણવા મળતા તેને પિતાને વાત કરી હતી. જ્યારે આ પછી હસમુખભાઈ તેમના ઘરે તપાસ કરતાં દાગીના ગાયબ હતા. જેથી તેમણે આરોપી ચંદ્રકાંત પંચાલ વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મુથુટ ફાઈનાન્સ ગોતા અને ચાંદલોડીયામાં આવેલી અંબિકા જ્વેલર્સમાં ગીરવે મૂક્યા હતા. સમગ્ર મામલે આરોપી વિરૂદ્ધમાં સોલા હાઈકોર્ટ (13 લાખનું ફ્રોડ) અને ઘાટલોડીયા પોલીસ (15 લાખનું ફ્રોડ) પણ ફરિયાદ નોંધાયેલી છે. જેમાં આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો અને ગુજરાત માનવ બલિદાન તથા કાળા જાદુ અટકાવવા બાબતના કાયદા હેઠળ કેસ નોંધાયા છે. પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.