તળાજાની ડેરીનું મિક્સ મિલ્ક તેમજ ટીપોર્ટનું વેજીટેબલ ફેટ સ્પ્રેડ સબસ્ટાન્ડર્ડ સાબિત

- લેબોરેટરીમાંથી આવેલ 89 રિપોર્ટ પાસ
- એજ્યુડીકેટીંગ ઓફીસર સમક્ષ કેસ ચાલી જતા ત્રણ કેસમાં એક લાખનો દંડ ફટકારાયો
લોકોના સુખાકારી આરોગ્ય માટે આરોગ્યપ્રદ ખોરાક પણ જરૂરી છે. જિલ્લા ફુડ વિભાગ દ્વારા નિયમિત વિવિધ ખાદ્ય સામગ્રીના નમૂના એકત્ર કરી લેબોરેટરી ટેસ્ટીંગ માટે મોકલાતા હોય છે અને તેના પરિણામો બાદ ફેઇલ થયેલ નમૂનાના વિક્રેતા ઉત્પાદક પેઢી પર જરૂરી કાર્યવાહી થતી હોય છે. જિલ્લા ફુડ વિભાગ દ્વારા છ માસ પૂર્વે લેવાયેલ અને લેબ ટેસ્ટીંગમાં નમૂનો નાપાસ થયા બાદ કેસ દાખલ કરાયેલ જ્યારે જિલ્લા એજ્યુડીકેટીંગ ઓફીસર સમક્ષ સબસ્ટાન્ડર્ડ થયેલ ત્રણ કેસ ચાલી ગયા હતાં. જેમાં વાવડી-ઘોઘા રોડ પર આવેલ ગેલોટસ ફુડ પ્લાઝાની શોપ નં.એ-૪માં આવેલ ધ ટી સ્પોટ પરથી લેવાયેલ વેજીટેબલ ફેટ સ્પ્રેડ ૫૦૦ ગ્રામ પેકના સેમ્પલમાં તીલ ઓઇલની હાજરી નહીં મળતા સબસ્ટાન્ડર્ડ સાબિત થતા રૂા.૫૦,૦૦૦નો દંડ કરાયો હતો. જ્યારે તળાજા-ફુલસરમાં સરકારી સ્કૂલ પાસે આવેલ માલધારી ડેરીમાંથી અલગ અલગ મિક્સ મિલ્ક લૂઝના બે નમૂનામાં ફેટના ટકા ઓછા સાબિત થતા બન્ને કેસમાં ૨૫-૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ કુલ ત્રણ કેસમાં એજ્યુડીકેટીંગ ઓફિસરે કુલ એક લાખનો દંડ આપ્યો હતો.
એક માસમાં કુલ 36 ખાદ્ય સામગ્રીના નમૂના લેવાયા
જિલ્લા ફુડ વિભાગના ફુડ ઇન્સપેક્ટરો દ્વારા ભાવનગર, તળાજા, મહુવા, પાલિતાણા, ગારિયાધાર સહિતના તેમજ બોટાદમાં ગઢડા, રાણપુર, બરવાળાથી અલગ અલગ સેમ્પલીંગ કરાયું હતું. ભાવનગરમાંથી દુધનું ૧, અનાજ કઠોળનું ૧, મીઠાઇના ૩, મીઠાનું ૧, પાણીનું ૧, ફરસાણના ૮, બેકરી પ્રોડક્ટનું ૧, તૈયાર ખોરાકના ૮, અન્ય ૬ મળી કુલ ૩૦ નમૂના એકત્ર કરી લેબ ટેસ્ટીંગ માટે મોકલાયા હતાં. જ્યારે બોટાદમાં ખાદ્ય તેલના ૩, મીઠાઇના ૨, તૈયાર ખોરાકના ૧ મળી કુલ ૬ નમૂના મેળવી લેબમાં મોકલાયા હોવાનું જણાયું છે. જ્યારે આવેલ પરિણામમાં ભાવનગરના ૬૦ અને બોટાદના ૨૯ સેમ્પલ પાસ થવા પામ્યા છે.

