Gujarat

પ્રજાના પ્રશ્નોથી મંત્રી ઘેરાયા! સુઈગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક ઝરતાં મંત્રીએ કેમેરા બંધ કરાવ્યા, જનતા દરબારમાં હોબાળો

By GS TEAM
29 May 20262 mins read
TukuTouch Logo
વાવ-થરાદના સુઈગામ ખાતે રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલા જનતા દરબાર કાર્યક્રમ દરમિયાન પાણીનો પ્રશ્ન સૌથી ગંભીર મુદ્દા તરીકે સામે આવ્યો હતો. મતવિસ્તારના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં આવેલા ગ્રામજનોએ પીવાના પાણીની અછત, અનિયમિત પાણી પુરવઠો, જૂની પાઈપલાઈનો તથા પ્રિ-મોન્સૂન કામગીરીના અભાવ અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રજાના પ્રશ્નોથી મંત્રી ઘેરાયા! સુઈગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક ઝરતાં મંત્રીએ કેમેરા બંધ કરાવ્યા, જનતા દરબારમાં હોબાળો

Suigam Janta Darbar Drinking Water Crisis: વાવ-થરાદના સુઈગામ ખાતે રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલા જનતા દરબાર કાર્યક્રમ દરમિયાન પાણીનો પ્રશ્ન સૌથી ગંભીર મુદ્દા તરીકે સામે આવ્યો હતો. મતવિસ્તારના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં આવેલા ગ્રામજનોએ પીવાના પાણીની અછત, અનિયમિત પાણી પુરવઠો, જૂની પાઇપલાઇનો તથા પ્રિ-મોન્સૂન કામગીરીના અભાવ અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી.

સુઈગામના જનતા દરબારમાં પીવાના પાણી મુદ્દે સ્થાનિકોમાં રોષ

કાર્યક્રમ દરમિયાન અનેક અરજદારો પાણીની સમસ્યાને લઈને મંત્રી સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. કેટલાક ગામોમાં પાણીની વિકટ સ્થિતિને કારણે લોકોમાં ભારે રોષ અને અસંતોષ પણ જોવા મળ્યો હતો. પાણીના પ્રશ્નોને લઈને રજૂઆત દરમિયાન મંત્રી સમક્ષ ચકમક જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું સ્થળ પર ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું. 

ઘટનાક્રમ દરમિયાન સમગ્ર દૃશ્યો કેમેરામાં કેદ ન થાય તે માટે મંત્રી દ્વારા પત્રકારો અને હાજર લોકોને વીડિયો શૂટિંગ ન કરવા સૂચના આપવામાં આવી હોવાનું ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. વીડિયો ઉતારવાની મનાઈ ફરમાવવામાં આવતા કાર્યક્રમ સ્થળે વિવિધ પ્રકારની ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું.

કાર્યક્રમમાં ભીડ ઘટાડવા લોકોને બહાર જવા ટકોર કરતાં પ્રજામાં અસંતોષ

પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સ્થળ પર ભીડભાડ અને ગરમીનો માહોલ સર્જાયો હતો. ઉપસ્થિત લોકોના જણાવ્યા મુજબ મંત્રીએ “વધારે લોકો હોવાથી ગરમી થાય છે, રજૂઆતો ઝડપથી પૂર્ણ કરો” તેવી ટકોર કરતાં કેટલાક લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો. એસી રૂમમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પણ ભીડ ઘટાડવા માટે લોકોને બહાર જવા કહેવામાં આવતા સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ હતી. 

આ પણ વાંચો: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: ₹1 કરોડના બોન્ડ પર તથ્ય પટેલને મળ્યા છે જામીન, 15 દિવસમાં રકમ કોર્ટમાં જમા કરાવવા હુકમ

જનતા દરબાર દરમિયાન પાણીનો પ્રશ્ન મુખ્ય મુદ્દો બની રહ્યો હતો અને ગ્રામજનોએ તાત્કાલિક ઉકેલ લાવવા માગ ઉઠાવી હતી. સમગ્ર ઘટનાક્રમે સ્થાનિક રાજકીય માહોલમાં ચર્ચાઓને વેગ આપ્યો છે. તેમજ લોકોમાં સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી પ્રત્યે કચવાટની લાગણી પણ જોવા મળી રહી છે.