‘સ્વામિત્વ’ યોજનામાં મિલકત ધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશે, અંદાજે 25 લાખ લોકોને થશે લાભ
AI IMAGE |
Svamitva Scheme : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકોને વિનામૂલ્યે સનદ આપવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકારના પંચાયતી રાજ, વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી આ સ્વામિત્વ યોજના શરુ કરવામાં આવી છે. આ ‘સર્વે ઑફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઈઝ્ડ ટૅક્નોલૉજી ઇન વિલેજ એરીયા(સ્વામિત્વ)’ અન્વયે ડ્રોન ટૅક્નોલૉજી દ્વારા ગ્રામીણ વિસ્તારના આબાદી એરિયાની મિલકતોનો ડ્રોન સર્વે કરીને ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવામાં આવે છે. આવા પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ મિલકત ધારકોને વિના મૂલ્ય આપવામાં આવે છે.
જમીન મહેસુલ અધિનિયમ 1879ની જોગવાઈ મુજબ મિલકત ધારક પાસેથી રૂ. 200ની સર્વે ફી લઈને આપવામાં આવતી સનદ હવે ગ્રામીણ મિલકત ધારકોને નિઃશુલ્ક આપવાનો નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં ‘સ્વામિત્વ’ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડની નકલ ઉપરાંત તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી ‘સનદ’ પણ વિના મૂલ્યે મળશે. રાજ્યમાં આવી અંદાજે 25 લાખ ગ્રામીણ મિલકત સનદ વિતરણ માટે આશરે 50 કરોડ રૂપિયાનું ભારણ રાજ્ય સરકાર લેશે.
આ પણ વાંચો: અમદાવાદના સાણંદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, રિસોર્ટમાંથી 100 લોકો ઝડપાયાં
ગ્રામીણ વિસ્તારના નાના, ગરીબ અને મધ્યમ વર્ગીય મિલકત ધારકોને સનદ મેળવવા માટે રૂ. 200ની ફીમાંથી મુક્તિ આપવાના નિર્ણયથી ગ્રામીણ નાગરિકોને તેમની મિલકતના હક્ક દર્શાવતી સનદ મેળવવામાં સરળતા કરીને ઇઝ ઑફ લિવિંગ સાકાર કર્યું છે.
સ્વામિત્વ યોજનાનો હેતુ ડ્રોન ટૅક્નોલૉજી દ્વારા ગ્રામ્ય વિસ્તારના આબાદી એરીયાની મિલક્તોના ડ્રોન સર્વે કરી ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવાનો છે. આ પ્રોપર્ટી કાર્ડ દ્વારા ગ્રામીણ નાગરિકોને તેમની મિલકતો પર કાયદેસર અધિકાર મળે છે, અને તેઓને નાણાંકીય રીતે સશક્ત બનાવે છે. પ્રોપર્ટીકાર્ડ થકી ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં વધુ વેગ જોવા મળશે, ગ્રામ વિકાસના આયોજન માટે સચોટ જમીન રૅકર્ડ તૈયાર થશે, કરની ચોક્કસ વસૂલાત થશે અને મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસો ઘટશે.