Get The App

અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો 1 - image

Congo Fever In Amreli : અમરેલી જિલ્લાના સાવરકુંડલા સ્થિત માનવ મંદિર ખાતે કોંગો ફીવર (Crimean-Congo Hemorrhagic Fever-CCHF)નો એક શંકાસ્પદ કેસ સામે આવતાં આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. માનવ મંદિરમાં રહેતા એક વિદ્યાર્થીમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. આ ગંભીર બીમારીના સંકેતો મળતા તુરંત જ આરોગ્ય વિભાગ દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડાયો

શંકાસ્પદ લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને વધુ સારી અને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. વિદ્યાર્થીના બ્લડ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ કેસની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે.

પશુ વિભાગની તપાસ 

કોંગો ફીવર પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો હોવાથી, આ ઘટનાને પગલે પશુ વિભાગની એક ટીમ માનવ મંદિર ખાતે તપાસ કામગીરીની કવાયત હાથ ધરી છે. આ ટીમ સંસ્થાની ગૌશાળામાં રહેતા પશુઓની પણ ઝીણવટભરી તપાસ કરશે, જેથી ચેપના સ્ત્રોતને જાણી શકાય અને વધુ ફેલાવો અટકાવી શકાય.

અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો 2 - image

કોંગો ફીવરના શંકાસ્પદ કેસના કારણે સ્થાનિકો અને માનવ મંદિરના સંચાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે સૌની નજર બ્લડ સેમ્પલના રિપોર્ટ પર ટકેલી છે.

અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો 3 - image

શું છે કોંગો ફીવર

કોંગો ફીવર એક પ્રકારનો વાયરલ હેમરેજિક ફીવર છે, જે પ્રાથમિક રીતે ઈતરડી (Ticks) દ્વારા ફેલાય છે અને પશુઓમાં રહે છે.

1. રોગના લક્ષણો

ચેપ લાગ્યા પછી સામાન્ય રીતે 1-3 દિવસમાં લક્ષણો દેખાવાનું શરુ થાય છે. 

- તીવ્ર તાવ

- શરીરના સ્નાયુઓમાં દુખાવો (Myalgia)

- માથાનો દુખાવો અને ગરદનમાં દુખાવો

- ચક્કર આવવા

- ઉલટી અને ઝાડા

- આંખો લાલ થવી અને ચહેરા પર લાલાશ (Flushed face)

- ગંભીર કિસ્સાઓમાં, નાક કે પેઢામાંથી લોહી નીકળવું અથવા શરીર પર લાલ ચાંઠા પડવા (હેમરેજિક લક્ષણો)

2. રોગનો ફેલાવો

આ વાયરસ મુખ્યત્ત્વે નીચેની ત્રણ રીતે મનુષ્યમાં ફેલાય છે:

ઈતરડીના કરડવાથી: ચેપગ્રસ્ત ઈતરડી (ખાસ કરીને Hyalomma જીનસની) કરડવાથી.

ચેપગ્રસ્ત પશુઓથી: ચેપગ્રસ્ત પશુઓના લોહી, માંસ અથવા અન્ય સ્ત્રાવના સંપર્કમાં આવવાથી. પશુધન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને (જેમ કે પશુપાલકો, કતલખાનાના કામદારો, વેટરનરી ડૉક્ટર) આનો ચેપ લાગવાનું જોખમ વધુ હોય છે.

વ્યક્તિથી વ્યક્તિ: ચેપી વ્યક્તિના લોહી અથવા અન્ય શારીરિક સ્ત્રાવના ગાઢ સંપર્કમાં આવવાથી. હૉસ્પિટલોમાં દૂષિત તબીબી સાધનો (જેમ કે નીડલ) દ્વારા પણ ચેપ ફેલાઈ શકે છે.

આ પણ વાંચો: 700 વર્ષ જૂની ટાંગલિયા કલાને મળ્યું વૈશ્વિક મંચ: બ્રેડ પિટના શર્ટથી હવે VGRC રાજકોટ કરશે વિશ્વભરમાં પ્રચાર!

3. નિયંત્રણ અને બચાવના પગલાં

પશુઓના સંપર્કમાં આવતી વખતે લાંબી સ્લીવ અને લાંબા ટ્રાઉઝર જેવા રક્ષણાત્મક કપડાં પહેરવા. પશુઓ પર અને તેમના રહેઠાણ પર ઈતરડી નાશક દવાનો છંટકાવ કરીને ઉપદ્રવ દૂર કરવો. ચેપગ્રસ્ત વ્યક્તિના લોહી કે સ્ત્રાવના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું. બીમાર લોકોની કાળજી લેતી વખતે મોજા અને રક્ષણાત્મક વસ્ત્રો પહેરવા, અને નિયમિતપણે સાબુથી હાથ ધોવા. હૉસ્પિટલમાં ચેપ ન ફેલાય તે માટે યોગ્ય સ્ટરીલાઇઝેશન અને આઇસોલેશનના નિયમોનું પાલન કરવું.