Get The App

ગોંડલ: બંને પક્ષે જેલ બાદ જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન, વિવાદનું ઠીકરું અનિરુદ્ધસિંહ પર ફોડાયું

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
ગોંડલ: બંને પક્ષે જેલ બાદ જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન, વિવાદનું ઠીકરું અનિરુદ્ધસિંહ પર ફોડાયું 1 - image


Rajkot News: પહેલા સામાન્ય બાબતમાં મારામારી, પછી સામ-સામે ફરિયાદ, બાદમાં બંને પક્ષે જેલ અને હવે છેલ્લે સમાધાન, જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચેના વિવાદમાં હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને હાલના ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશ ગોંડલ અને જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીએ વાહન અથડાવવા બાબતે થયેલી બબાલમાં અંતે સમાધાન કરી લીધું છે. 

બંને પક્ષે જેલવાસ બાદમાં સમાધાનનો રસ્તો

જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ અને જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચે ગત મે મહિનામાં માથાકુટ થઈ હતી. આ બનાવ બાદ, જયરાજસિંહ તેમના પુત્રને બચાવવા અને રાજુ સોલંકી તેમના પુત્રને બચાવવા મેદાને પડ્યા હતા. બન્નેએ એકબીજા ઉપર આરોપ પ્રતિઆરોપ કર્યાં હતા. ગણેશ ગોંડલ મારામારી અને એટ્રોસિટી કેસમાં જેલમાં ગયો હતો તો બીજી તરફ રાજુ સોલંકી અને તેમના ટેકેદારો સામે ઓગસ્ટ 2025માં ગુજસીટોકનો ગુન્હો દાખલ કરીને સુરતની જેલમાં ધકેલવામાં આવ્યા હતા. જો કે હવે બન્ને વચ્ચે સમાધાન થયું છે. મે મહિના અને ઓગસ્ટમાં કરેલ જેલયાત્રાને ભૂલીને બન્ને જૂથે હસતા મોઢે એક બીજાને ગળે લગાવી વિવાદનો અંત લાવ્યા છે.

સમાધાન સમયે કેવા હતા હાવભાવ?

ગોંડલમાં જયરાજસિંહના બંગલે સમાધાનની બેઠક યોજાઈ હતી, જેમાં રાજુ સોલંકી પોતાના પુત્ર એટલે કે આ કેસમાં ભોગ બનનાર સંજય સોલંકી અને પોતાના સમર્થક દલિત આગેવાનોને ભેગા કરી પહોંચ્યા હતા. જ્યાં બંને પક્ષ શાંતિની અપીલ કરી સમાધાનનું સોગઠું ગોઠવી દીધું હતું. આ વચ્ચે રાજુ સોલંકીએ પૈસા લઈને સમાધાન કર્યું હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. બીજી તરફ જયરાજસિંહ સમગ્ર કેસમાં દોષનો ટોપલો કટ્ટર વિરોધી અનિરુદ્ધસિંહ રિબડા પર ઢોળી રહ્યા છે. સમાધાન સમયે રાજુ સોલંકી અને ગણેશ ગોંડલનો ચહેરો હસતો દેખાયો હતો તો જયરાજસિંહ શાંત બેઠા હતા. જયરાજસિંહને ભેટીને રાજુ સોલંકીએ કહ્યું કે જયરાજસિંહ મારા મોટાભાઈ, મારા -બાપ છે. 


'હું મોહરું બન્યો હતો' - રાજુ સોલંકીનો મોટો એકરાર

સમાધાન બાદ રાજુ સોલંકીએ સનસનીખેજ નિવેદન આપતા જણાવ્યું હતું કે, "હું માત્ર એક મોહરું બન્યો હતો. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને કેટલાક આગેવાનોએ મને ઉશ્કેર્યો હતો. મારો પુત્ર ભોગ બન્યો હોવાથી હું રોષમાં હતો અને તેમની વાતોમાં આવી ગયો હતો." તેમણે વધુમાં ઉમેર્યું કે આ લડાઈ દલિત સમાજની નહીં પણ 'ગોંડલ વર્સિસ રીબડા'ની હતી અને રાજકીય સ્વાર્થ માટે તેમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક દલિત આગેવાનોએ આખા સમાજને ગેરમાર્ગે દોર્યો હતો અને ગીતાબા જાડેજાનું રાજીનામું માંગવા પાછળનો અસલી ઉદ્દેશ્ય અનિરુદ્ધસિંહના પુત્રને ચૂંટણી લડાવવાનો હતો, જેની માટે દલિત સમાજ અને રાજુ સોલંકીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હું જેલમાં ગયો પછી મને ગેરમાર્ગે દોરનારા આગેવાનો દ્વારા કોઈ સહયોગ મળ્યો ન હતો, મારા નિર્દોષ સમાજને આમાં ખેંચવામાં આવ્યો છે. હું મારા સમાજની માફી માંગું છું અને સ્પષ્ટ કરું છું કે મને ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો'

'અનિરુદ્ધસિંહે જ આ વિવાદને વકરાવ્યો'

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ તેમના કટ્ટર હરિફ અનિરુદ્ધસિંહ જાડેજાને જવાબદાર ઠેરવ્યા હતા. જયરાજસિંહે કહ્યું કે, 'અનિરુદ્ધસિંહે જ આ વિવાદને વકરાવ્યો હતો. સમગ્ર પ્રકરણ જ્યારે બન્યું ત્યારે સામાન્ય ઉગ્ર બોલાચાલીનો મામલો હતો. આ મામલો વધીને બે દિવસમાં પૂરો થવાનો હતો પણ રીબડા અનિરુદ્ધસિંહે આખે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું, સમાધાનનું કાંઈ આમ વાત કરી, આ તે વાત કરી, પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુદ્ધનો રહ્યો છે. રાજુ મારી સાથે બેઠા પછી મને ઘણી ઘણી વાતની ખબર પડી કે આ પ્રકરણમાં રાજુ ક્યાંય દોષિત છે જ નહીં અને આ પ્રકરણને અવળો રસ્તો ચિંધાડવા માટે, આખે આખી વાતને ગુમરાહ કરવા માટે અને પ્રકરણને આખે આખું ડાયવર્ટ કરવા માટે માત્ર ને માત્ર જો આમાં કોઈનો હિસ્સો હોય તો આ પ્રકરણને ગેરમાર્ગે દોરવામાં રીબડા અનિરુદ્ધ છે'

શું સમાધાનમાં પૈસાની લેતીદેતી થઈ?

રાજુ સોલંકીએ સમાધાનમાં તોડપાણીના દાવા અંગે પણ નિવેદન આપતા કહ્યું હતું કે 'મેં રાજુ સખીયાનો એક વીડિયો જોયો જેમાં તેઓ એવો દાવો કરી રહ્યા છે કે હું અનિરુદ્ધસિંહ પાસેથી 35 લાખ રૂપિયા લઈને આવ્યો છું. મારે તેમને એટલું જ કહેવું છે કે, જે તે સમયે મારી બાજુમાં જયરાજસિંહ બેઠા હતા અને મને 2 કરોડની ઓફર પણ હતી. જો મારે પૈસા જ લેવા હોત, તો હું અનિરુદ્ધસિંહના 35 લાખ લઉં કે જયરાજસિંહના 2 કરોડ? વધુમાં જયરાજસિંહ સ્પષ્ટતા કરી હતી કે 'આ સમાધાન માટે પૈસાની લેતી-દેતી થઈ છે, તે વાત તદ્દન ખોટી છે. રાજુ સોલંકીએ માત્ર ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન માટે ભોજન સમારોહમાં સહયોગ માંગ્યો હતો, જે અમે ખુશીથી સ્વીકાર્યો  છે.'

આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: પૂર્વ કલેક્ટર અને નાયબ મામલતદારના 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

સમાધાન કરવું જ હતું તો વિવાદ કેમ?

સુત્રોનો દાવો છે કે,સમાધાનની ઘટના બાદ દલિત સમાજના લોકોમાં અંદરો અંદર રોષ છે કે જો સમાધાન જ કરવું હતું તો કેમ આટલો વિવાદ ઊભો કર્યો? બીજી તરફ એ પણ ચર્ચાઓ થઈ રહી છે કે જયરાજસિંહ હવે ગણેશ ગોંડલને ચૂંટણીમાં ઉતારવા માંગે છે તેથી કોઈ સમાજનો વિરોધ તેમણે પોષાય તેમ નથી, અંદર ખાને શું રંધાયું એ તો બંને પક્ષ જાણે જ છે,  આ કેસ રાજકારણ અને સમાજકારણ એક હોવાનો જીવતો જાગતો દાખલો છે.