Surendranagar Land Scam Case: સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન કૌભાંડમાં કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, સહિતનાઓ સામે ED(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ફરિયાદ નોંધી છે. જે વચ્ચે ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામ પાસે ધુડખર અભ્યારણ્ય પાસે સોલર પ્લાન્ટમાં નિયમોનું ઉલ્લંઘન કરી મંજૂરી આપી દીધી હોવાનું સામે આવ્યું છે. સોલર પ્લાન્ટમાં ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ સાથે PMO કાર્યાલય અને દિલ્હી તકેદારી આયોગમાં રજૂઆત બાદ EDએ દરોડા પાડ્યા હોવાનું અરજદારે જણાવ્યું છે.
સુરેન્દ્રનગરના કલેકટરને 'વેઇટિંગ ઇન પોસ્ટિંગ' પર મૂકી દેવાયા
કથિત કૌભાંડનો કેસ સામે આવતા હાલ સુરેન્દ્રનગરના કલેકટરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતી. તેમને હાલ વેઇટિંગ ઇન પોસ્ટિંગ પર મૂકી દેવાયા છે. તેમની આગામી આદેશ સુધી, એટલે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ ચાર્જ સોંપવામાં આવ્યો નથી. હાલ સુરેન્દ્રનગરના જિલ્લા વિકાસ અધિકારી (DDO) કે.એસ. યાજ્ઞિકને આગામી નિર્દેશ સુધી સુરેન્દ્રનગરના કલેક્ટર પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
850 કરોડનો પ્લાન્ટને 60 કરોડનો દર્શાવી 7.90 કરોડની વન્યજીવ સંરક્ષણ ફી ચોરી કર્યાનો દાવો
મોટી માલવણના રહીશ અશ્વિનભાઈ માળવણિયાની રજૂઆત મુજબ, મોટી માલવણ કૃષ્ણનગર પાસે ખાનગી કંપની (એન.એસ.ઈ.)એ સોલાર પ્લાન્ટ માટે ખેડૂતો પાસેથી 30 વર્ષના ભાડાપટ્ટે જમીન લેવામાં આવી હતી. જોકે, જમીનનું બિનખેતી (એનએ) કરાવ્યા વગર જ પ્લાન્ટની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ પ્લાન્ટ ઘુડખર અભયારણ્યની નજીક હોવાથી વન્યજીવ સંરક્ષણ માટે કુલ મૂડી રોકાણના 1 ટકા રકમ સરકારમાં જમા કરાવવી ફરજિયાત છે.
...છતાં કલેક્ટરે સોલાર પ્લાન્ટની મંજૂરી આપી દીધી
કંપની દ્વારા પ્લાન્ટનું ફૂલ મૂડી રોકાણ રૂ.60 કરોડ દર્શાવી તે મુજબ 01% લેખે રૂ.60 લાખ ભરી દીધા હતા. રકમ ભરપાઈ કર્યા બાદ કંપનીના માલિકોએ સોલાર પ્લાન્ટની મંજૂરી માટે જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ પાસે ગયા હતા અને ત્યાં જઈ પ્લાન્ટમાં ખર્ચ વધી ગયો છે અને પ્લાન્ટમાં રૂ.850 કરોડનું રોકાણ કરી નાખ્યું હોવાથી નુકસાન થવાનું જણાવતા કલેક્ટરે પણ રજૂઆતને ગ્રાહ્ય રાખી સોલાર પ્લાન્ટની મંજૂરી આપી દીધી હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે. આમ તફાવતની આશરે રૂ. 7.90 કરોડની ફીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો અંદાજ છે. તેમજ કંપનીને તંત્ર દ્વારા વાર્ષિક 8 કરોડના હપ્તા પણ કરી દીધા હોવાનું જણાવ્યું હતું. આ સિવાય સોલાર પ્લાન્ટ કાર્યરત છે તેની આસપાસના વિસ્તારમાં આવતા ખેડૂતોની તેમજ રેવન્યુ વિભાગની મંજૂરી નિયમ મુજબ લેવાની હોય છે પરંતુ મંજૂરી નહીં હોવા છતાં કલેક્ટરે સોલાર પ્લાન્ટની મંજૂરી આપી દીધી હતી. સોલાર પ્લાન્ટ એપ્રિલ 2025થી કાર્યરત છે અને તેમાંથી દૈનિક રૂ. 35 થી 40 લાખની વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કંપની દ્વારા તેમની જમીન, રોડ અને પીવાના પાણીની પાઈપલાઈનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, છતાં વહીવટી તંત્ર મૌન સેવી રહ્યું છે.
પીએમઓમાં ફરિયાદ બાદ ઇડીના દરોડા પડ્યાઃ અરજદાર
સ્થાનિક ખેડૂતો અને અરજદારોએ જિલ્લા કલેક્ટર કચેરીથી લઈને ગાંધીનગર વન વિભાગ સુધી અનેકવાર લેખિત અને ઓનલાઈન ફરિયાદો કરી હતી. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે આ મામલો PMO કાર્યાલય અને કેન્દ્રીય તકેદારી આયોગ સુધી પહોંચ્યો હતો. અરજદારનો દાવો છે કે ઉચ્ચ કક્ષાએ થયેલી આ રજૂઆતના પગલે જ તાજેતરમાં ઈ.ડી.ની ટીમોએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા છે.


