Surendranagar Land scam case: સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. EDએ 2 જાન્યુઆરીના રોજ રાજેન્દ્રકુમાર પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી હતી તે બાદ સાંજે અમદાવાદ કોર્ટમાં રજૂ કરી 10ના રિમાન્ડની માંગણી સામે કોર્ટે 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર હતા. આપને જણાવી દઈએ કે EDની પ્રાથમિક તપાસમાં તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલે 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લીધી હોવાનો આરોપ છે.
સામાન્ય વહીવટ વિભાગનો આદેશ
ગુજરાત કેડરના 2015ની બેચના IAS અધિકારી રાજેન્દ્રકુમાર એમ. પટેલને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદ સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આજે આ અંગેનો સત્તાવાર આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
ધરપકડ અને કસ્ટડી: ED દ્વારા રાજેન્દ્રકુમાર પટેલની 2 જાન્યુઆરી, 2026ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેઓ 7 જાન્યુઆરી સુધી EDની કસ્ટડીમાં છે.
સસ્પેન્શનનું કારણ: નિયમ મુજબ, જો કોઈ સરકારી અધિકારી 48 કલાકથી વધુ સમય માટે પોલીસ અથવા અન્ય એજન્સીની કસ્ટડીમાં રહે, તો તેમને આપોઆપ સસ્પેન્ડ ગણવામાં આવે છે. 'ઓલ ઇન્ડિયા સર્વિસીસ (ડિસિપ્લિન એન્ડ અપીલ) રૂલ્સ, 1969' ના નિયમ 3(2) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.
કેસની વિગત: તેમની સામે 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' (PMLA), 2002 હેઠળ તપાસ ચાલી રહી છે. જ્યારે આ ગુનો નોંધાયો ત્યારે તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.
વેટિંગ ફોર પોસ્ટિંગ'માં હતા
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઓર્ડર મુજબ, રાજેન્દ્રકુમાર પટેલ 2 જાન્યુઆરી, 2026 થી જ સસ્પેન્ડ ગણાશે. સસ્પેન્શન સમયગાળા દરમિયાન તેમને મળવાપાત્ર નિર્વાહ ભથ્થા (subsistence allowance) અંગેનો આદેશ અલગથી બહાર પાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજેન્દ્રકુમાર પટેલ હાલમાં સામાન્ય વહીવટ વિભાગ (GAD) હેઠળ 'વેટિંગ ફોર પોસ્ટિંગ' માં હતા, પરંતુ સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાનના વ્યવહારોને લઈને EDએ આ કડક કાર્યવાહી કરી છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં એન.એ કૌભાંડમાં ઇડીએ 2જી જાન્યુઆરીએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી. ઇડીએ તપાસ કરતાં કલેક્ટરની ઓફિસ અને નિવાસસ્થાનેથી હિસાબની ડાયરી, મોબાઈલ પીડીએફ અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યાં હતા.આ દસ્તાવેજોની એફએસએલ તપાસ કરશે. આ ઉપરાંત કલેક્ટરના અંગત સહાયક જયરાજસિંહ ઝાલા પાસેથી પણ વોટ્સએપ ચેટ સહિત હિસાબની યાદી મળી આવી હતી, જેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ દસ્તાવેજોમાં હજુ મોટા ખુલાસા થઇ શકે છે.
તમામ મિલકતોની તપાસ
એવુ જાણવા મળ્યુ છે કે, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ ગોતા સ્થિત શકુલ પ્લેટિમનમાં ફલેટ ધરાવે છે. આ ફલેટનું ભાડુ કલેક્ટરની માતાના બેન્ક એકાઉન્ટમં સીઘુ જમા થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજેન્દ્ર પટેલે સરકારી પોર્ટલમાં સ્થાવર મિલ્કત, ખેતીની જમીન દર્શાવી છે. ખેતીની આવક સહિત અન્ય માહિતી EDથી છુપાવવામાં આવી હતી. EDએ પૂર્વ કલેક્ટરની ખેતીની જમીન ઉપરાંત તમામ મિલકતોની પણ તપાસ આરંભી દીધી છે. આ સમગ્ર પ્રકરણમાં જે રીતે તપાસ આગળ ધપી રહી છે તે જોતાં હજુ ઘણાં ભ્રષ્ટ અધિકારીઓ પર કાયદાકીય ગાળિયો કસાશે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીમાં ED દરોડા પાડવા કેમ મજબૂર થઇ? જાણો ચોંકાવનારું કારણ


