દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? સુરેન્દ્રનગરમાં જર્જરિત પુલ પર અવર-જવર, તંત્ર વ્યવસ્થામાં કરવામાં નિષ્ફળ
Dudhrej-Narmada Canal Bridge : સુરેન્દ્રનગર જિલ્લામાં જર્જરિત પુલોનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા પુલોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લાના 12 જેટલા પુલ જર્જરિત હોવાનું બહાર આવ્યું હતું. આ પૈકી દૂધરેજ-નર્મદા કેનાલ પરના પુલ સહિત ચાર પુલોને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો અને તેના પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. જોકે, વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે આ જર્જરિત પુલો ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.
તંત્રની બેદરકારી કે મજબૂરી?
સુરેન્દ્રનગર જિલ્લાને ધ્રાંગધ્રા, કચ્છ, પાટડી, બહુચરાજી સહિતના ગામો સાથે જોડતા મુખ્ય હાઈવે પર દૂધરેજ પાસે નર્મદા કેનાલ પર આવેલો આ પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે. છેલ્લા એક વર્ષમાં આ પુલમાં ત્રણથી ચાર વખત ગાબડાં પડ્યા છે. પુલના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે અને પીલર પણ ફાટી ગયા છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં, ડાયવર્ઝન ન હોવાને કારણે અને તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહેતા આ પુલને ફરીથી ચાલુ કરી દેવાયો છે.
આ પણ વાંચો: શિક્ષકો ભણાવવાને બદલે VVIPને ભોજન પીરસશે? વિવાદ થતા જસદણ નાયબ કલેક્ટરનો આદેશ રદ
જો દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?
સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આ જર્જરિત પુલ પર કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે? એક તરફ તંત્ર દ્વારા પુલ બંધ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ બીજી તરફ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના બહાને તેને ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યો છે. આ સ્થિતિમાં, સ્થાનિક નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. તંત્રની આ નિષ્ફળતા અને અવ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.