શિક્ષકો ભણાવવાને બદલે VVIPને ભોજન પીરસશે? વિવાદ થતા જસદણ નાયબ કલેક્ટરનો આદેશ રદ
Teacher controversy: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી એક અનોખો અને વિવાદિત નિર્ણય સામે આવ્યો હતો, જેને શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જાગી હતી. ઘેલા સોમનાથના સુપ્રસિદ્ધ શ્રાવણી મેળા દરમિયાન VVIP ભક્તો માટેની ભોજન વ્યવસ્થા અને કેટરિંગ સેવાની સમગ્ર જવાબદારી 30 જેટલા શિક્ષકોને સોંપવામાં આવી હતી. પરંતુ વિવાદ થતાં આ હુકમને રદ કરવામાં આવ્યો છે, અને કહેવામાં આવ્યું છે કે જો શિક્ષકો સ્વેચ્છાએ સેવા આપવા માંગતા હોય તો જઇ શકે છે.
મંદિર ટ્રસ્ટ અને નાયબ કલેકટરના આદેશ મુજબ, જસદણના શિક્ષકોને શ્રાવણી મેળામાં VVIP ની ભોજન વ્યવસ્થા સંભાળવાની જવાબદારી આપવામાં આવી હતી. આ કામગીરીનું સુપરવિઝન જસદણના TPEO (તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી) ને સોંપાયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, દરરોજ બે-બે શિક્ષકોને આ જવાબદારી નિભાવવા માટે ફરજ સ્થળે નિયમિત હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી. શિક્ષકોને VVIP ભોજનના સંચાલનની કામગીરી સોંપતો સત્તાવાર હુકમ કર્યા બાદ બાદ શિક્ષણવિદો અને વાલીઓ સહિત અનેક વર્ગોમાં ભારે નારાજગી અને વિરોધનો સૂર ઉઠ્યો હતો.
સામાન્ય રીતે શિક્ષકોની મુખ્ય ફરજ બાળકોને શિક્ષણ આપવાની હોય છે. આવા ધાર્મિક મેળામાં VVIP ભોજન જેવી બિન-શૈક્ષણિક કામગીરી સોંપવાથી શિક્ષકોના સમયનો દુરુપયોગ થાય છે અને શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર નકારાત્મક અસર પડે છે. આ વિવાદિત નિર્ણયને જસદણ નાયબ કલેક્ટરે હુકમને રદ કર્યો હતો અને કહ્યું હતું કે જો શિક્ષકો સ્વેચ્છાએ સેવા આપવા માંગતા હોય તો જઇ શકે છે.
આ પણ વાંચો: ગુજરાતની એકમાત્ર એઈમ્સમાં પણ 58% ફેકલ્ટીની જગ્યા ખાલી, પૂરતી તબીબી સેવાથી નાગરિકો વંચિત
આ એકલદોકલ ઘટના નથી. ભૂતકાળમાં પણ ગુજરાતના શિક્ષકોને શૈક્ષણિક કાર્ય સિવાયની અનેક બિન-શૈક્ષણિક કામગીરી સોંપવામાં આવી છે. ઉદાહરણ તરીકે:
તીડ ભગાવવા
ભૂતકાળમાં શિક્ષકોને ખેતરોમાં તીડ ભગાવવાની કામગીરી સોંપવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.
યોગ શિબિર
સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ શિક્ષકોને યોગ શિબિરમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી.
સ્વચ્છતા સર્વેક્ષણ
સુરત સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૫ ની ઉજવણીના ભાગ રૂપે શિક્ષકોને કાર્યક્રમમાં હાજર રહેવા જણાવાયું હતું.
આવાસ યોજના
શિક્ષકોને વડાપ્રધાનની વર્ચ્યુઅલ સભામાં લાભાર્થીઓને હાજર રાખવા માટે ફોન કરવાની કામગીરી પણ સોંપવામાં આવી હતી.
પુસ્તક વિતરણ અને શાળા સ્થળાંતર
વેકેશન હોય કે શાળા ચાલુ હોય, શિક્ષકોને પુસ્તકો લાવવા, વિતરણ કરવા અને શાળાનું સ્થળાંતર કરવા જેવી કામગીરી પણ આપવામાં આવે છે.
ગુજરાતમાં 40 હજાર શિક્ષક-38 હજાર ઓરડાની અછત
લાખોનો ધુમાડો કરીને દર વર્ષની જેમ આ વર્ષે જોરશોરથી સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે પણ ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતી દયનીય છે. હજારો વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાવી સરકાર જાણે કોઈ સિદ્ધિ હાંસલ કરી હોય તેમ ગુણગાન ગાઈ રહી છે પણ સવાલ એ ઉઠ્યો છે કે, વિદ્યાર્થીઓને ભણાવશે કોણ? આખાય ગુજરાતમાં કુલ મળીને 40 હજાર શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. ભરતી કેલેન્ડર મુજબ સરકાર શિક્ષકોની ભરતી કરતી નથી. શિક્ષકો વિના વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પહોંચી રહી છે. શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે ત્યારે નાછૂટકે વાલીઓ સંતાનોને ખાનગી શાળામાં એડમિશન અપાવી અભ્યાસ કરાવવા મજબૂર બન્યાં છે. શાળાઓમાં 38 હજાર વર્ગખંડોની અછત પ્રવર્તી રહી છે. વિદ્યાર્થીઓને ક્યાં બેસાડીને અભ્યાસ કરાવવો એ સવાલ ઉઠ્યો છે. રાજ્યમાં 10 હજારથી વધુ ઓરડાઓ પડુપડુ અવસ્થામાં છે. ગ્રામ્ય-આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસીને અભ્યાસ કરી રહ્યાં છે.
5912 સરકારી શાળાઓને તાળાં લાગ્યાં, 341 શાળામાં એક ઓરડામાં બધા ધોરણ
શિક્ષણક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે ત્યારે કડવી વાસ્તવિકતા એ છે કે, 5912 સરકારી શાળાઓને ખંભાતી તાળા વાગ્યાં છે. વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા અને મર્જ કરવાના બહાને શાળાઓને બંધ કરી દેવાઈ છે. રાજ્યમાં 341 શાળાઓ એવી છે જ્યાં એક જ ઓરડામાં બધાય ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. કેન્દ્ર સરકારના એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 2462 શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષક છે. આ શિક્ષક બધાય ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. હવે આ શાળાઓમાં વિદ્યાર્થીઓ કેવો અભ્યાસ કરતાં હશે તેની કલ્પના કરવી રહી.