Get The App

VIDEO: સુરતના ઉમરા-વેલંજા રોડ પર ભીષણ આગ, ભંગારનું ગોડાઉન અને ટાયરની દુકાન ખાખ

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: સુરતના ઉમરા-વેલંજા રોડ પર ભીષણ આગ, ભંગારનું ગોડાઉન અને ટાયરની દુકાન ખાખ 1 - image

Surat Fire News : સુરત શહેરના ઉમરા-વેલંજા રોડ પર આવેલી રંગોલી ચોકડી પાસે આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલા પતરાંના શેડવાળા ગોડાઉન અને દુકાનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભંગારનું ગોડાઉન અને એક ટાયરની દુકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા.

પ્લાસ્ટિક અને ટાયરને કારણે આગ વિકરાળ બની 

પ્રાપ્ત વિગતો અનુસાર શરૂઆતમાં આગ ભંગારના ગોડાઉનમાં લાગી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક અને લાકડા સહિતનો જ્વલનશીલ સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે તેણે બાજુમાં આવેલી અન્ય ત્રણ દુકાનોને પણ પોતાની ઝપેટમાં લીધી હતી. આગના કારણે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા, જે ઘટનાસ્થળથી આશરે ત્રણ કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.


ઝેરી ધુમાડા વચ્ચે ફાયર વિભાગનું રેસ્ક્યુ 

ઘટનાની જાણ થતાં જ કોસાડ અને મોટા વરાછા ફાયર સ્ટેશનનો કાફલો સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગની 3 જેટલી ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોકે, આગની ઝપેટમાં ટાયરની દુકાન પણ આવી ગઈ હોવાથી ત્યાં સળગેલા ટાયરોને કારણે ધુમાડો અત્યંત ઝેરી બની ગયો હતો. શ્વાસ લેવામાં તકલીફ પડે તેવો માહોલ હોવાથી ફાયર ફાઈટરોએ મોઢે માસ્ક લગાવીને આગ બુઝાવવાની ફરજ પડી હતી.

એક કલાક બાદ આગ કાબૂમાં 

ફાયર વિભાગની ટીમે સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આશરે 1 કલાક પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં ભંગારનું ગોડાઉન અને ટાયરની દુકાન બળીને રાખ થઈ ચૂક્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ પર કાબૂ મેળવ્યા બાદ હાલ ફાયર વિભાગ દ્વારા કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Tags :