સુરતમાં આપઘાતના 3 બનાવ, એક આઘેડ સહિત બે યુવાને જીવન ટુંકાવ્યું
Surat News: સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં ત્રણ લોકોએ આપઘાત કરી લેતાં ભારે ચકચાર જાગી છે. ત્યારે કતારગામમાં રહેતા 46 વર્ષના આધેડને હીરાના વ્યવસાયમાં દલાલી કામ કરતાં દેવું વધી જતાં માંડવી તાલુકાના બૌધાન ગામે આવી તાપી નદીમાં પડતું મુકી આપઘાત કરી લીધો હતો. જ્યારે વેસુમાં નોકરીના ટેન્શનમાં હાર્ડવેર વેપારીના યુવાન પુત્રે ગળા ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા પરિવાર આઘાતમાં સરી પડયો છે. બીજી તરફ સહરા દરવાજા સોનીયાનગરના શ્રમિક યુવાને આપઘાત કર્યો હતો.
તાપી નદીમાં કુદી આઘેડે જીવન ટુંકાવ્યું
સુરતના કતારગામ ખાતે દત્તકૃપા સોસાયટીની સામે આવેલી જવેલ રેસીડેન્સીમાં 46 વર્ષીય મનીષ ગાબાણી પરિવાર સાથે રહેતા હતા અને હીરાના વ્યવસાયમાં દલાલીનું કામ કરતા હતા. હીરાના વ્યવસાયમાં હાલમાં મંદી ચાલતી હોય મનીષ ગાબાણીને દેવું વધી ગયું હતું. દરમિયાન મંગળવારે બપોરના સમયે મનીષ ગાબાણી માંડવી તાલુકાના બૌધાન ગામે આવી તાપી નદીના પુલ ઉપરથી કૂદી પડ્યા હતા. સ્થાનિક લોકોએ તાપી નદીના પાણીમાં મનીષ ગાબાણીને કૂદતા જોતાં તરવૈયાઓએ નદીના પાણીમાંથી તેનો મૃતદેશ બહાર કાઢ્યો હતો. તેના પેન્ટના ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવતાં પિતરાઈ ભાઈ જયસુખ ગાબાણીને ફોન કર્યો હતો. જયસુખ ગાબાણી અન્ય સંબંધીઓ સાથે બૌધાન ગામે આવી પિતરાઇ ભાઈની ઓળખ કરી ફરિયાદ આપતાં માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતથી વિદ્યાર્થીને લઇને ભાગી ગયેલી શિક્ષિકા ઝડપાઇ, એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા
22 વર્ષીય યુવકનો આપઘાત
ઉતર પ્રદેશનો વતની અને હાલમાં વેસુ વિસ્તારમાં જલારામ મંદિર નજીક રહેતો 22 વર્ષીય મનીષ વિનોદ શર્મા ઘરમાં ગળા ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પોલીસના જણાવ્યાનુસાર, મનીષ મુળ ઉત્તર પ્રદેશનો વતની હતો. જો કે તેણે બી.સી.એનો અભ્યાસ પૂર્ણ કર્યા હતો અને નોકરી માટે પરીક્ષાની તૈયારી કરતો હતો. તેને નોકરીના ટેન્શનમાં આ પગલુ ભર્યું હોવાની શક્યતા છે, પરંતુ તપાસ બાદ હકીક્ત જાણવા મળશે. તેને એક ભાઈ અને એક બહેન છે. તેના પિતાની વેસુ વિસ્તારમાં હાર્ડવેરની દુકાન ચલાવે છે. જ્યાપે સહારા દરવાજા ખાતે સોનીયાનગર ઝુપડ પટ્ટીમાં રહેતો 24 વર્ષીય શનિ પ્રકાશ પડમકર કોઈ કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.