સુરત શિક્ષક આપઘાત કેસ: પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી
Surat News : સુરતમાં ગઈકાલે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં પત્નીના કથિત અફેરથી કંટાળીને એક શિક્ષકે પોતાના બે માસૂમ બાળકોને ઝેરી દવા પીવડાવી હત્યા કરી અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસને ઘટનાસ્થળેથી એક ડાયરી મળી આવી છે, જેમાં અલ્પેશની પત્ની ફાલ્ગુનીનું નરેશ રાઠોડ નામના વ્યક્તિ સાથે અફેર હોવાનો ઉલ્લેખ કરાયો છે. જેના આધારે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
શિક્ષક અલ્પેશ સોલંકીનું અંતિમ પગલું
મૃતક શિક્ષકનું નામ અલ્પેશ કાંતિલાલ સોલંકી (ઉં.વ.41) છે. તેમણે તેમના બે પુત્રો, 8 વર્ષના કૃષિવ અને 2 વર્ષના કર્નિશ સાથે આ આઘાતજનક પગલું ભર્યું હતું. આ ઘટના બાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં અલ્પેશ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે ઘટનાસ્થળેથી તપાસ દરમિયાન બે ડાયરી, અલ્પેશનો મોબાઈલ અને તેમની પત્નીનો મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. અલ્પેશના મોબાઈલમાંથી એક વીડિયો પણ મળી આવ્યો છે, જેમાં તેમણે આ અંતિમ પગલું ભરતા પહેલા પોતાની વેદના અને મનોસ્થિતિ વ્યક્ત કરી હતી, જે આ ઘટના પાછળનું દર્દનાક કારણ છતું કરે છે.
શિક્ષકની ડાયરી-સુસાઈડ નોટમાં ચોંકાવનારા ખુલાસા
અલ્પેશના ભાઈએ પોલીસને આપેલી માહિતી મુજબ, અલ્પેશની પત્ની ફાલ્ગુનીનું અફેર નરેશ રાઠોડ નામના વ્યક્તિ સાથે હતું. ફાલ્ગુની જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતી હતી, જ્યારે નરેશ રાઠોડ ખેતીવાડી વિભાગમાં નોકરી કરે છે.
ફાલ્ગુની અને નરેશને કડક સજાની માગ
અલ્પેશે છેલ્લા 3 મહિનાથી એક ડાયરી લખી હતી, જેમાં તેમણે પોતાની પત્નીના ત્રાસ અને તેના અફેર વિશે વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઈડ નોટમાં પણ તેમણે પોતાના માતા-પિતા અને પત્નીને સંબોધીને અલગ-અલગ લખાણ કર્યું છે. આ સુસાઈડ નોટમાં, અલ્પેશે ફાલ્ગુની અને નરેશને કડકમાં કડક સજા થાય તેવી વિનંતી કરી હતી.
આરોપીઓની ધરપકડ અને તપાસનો ધમધમાટ
અલ્પેશના ભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેમના ભાઈને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પોલીસે આ મામલે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધીને ફાલ્ગુની અને નરેશ રાઠોડ બંનેની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન નરેશ રાઠોડે પણ ફાલ્ગુની સાથેના સંબંધની કબૂલાત કરી છે.
આ પણ વાંચો: VIDEO: જામનગરના યુવકને ઓવરસ્પીડનો વટ પડ્યો ભારે, રીલ બનાવનારની સાયબર ક્રાઈમે કરી અટકાયત
આ ઘટનાએ પરિવારજનો અને સમગ્ર સમાજમાં ઊંડો આઘાત પહોંચાડ્યો છે. પોલીસ આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી ઘટનાના તમામ પાસાઓ બહાર આવી શકે અને દોષિતોને કાયદા મુજબ સજા મળે.