Get The App

હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાને મોટી રાહત: સુરત કોર્ટે રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની સરકારની અરજી ગ્રાહ્ય રાખી

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાને મોટી રાહત: સુરત કોર્ટે રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની સરકારની અરજી ગ્રાહ્ય રાખી 1 - image


Hardik Patel and Alpesh Kathiria sedition case: સુરત સેશન્સ કોર્ટે ગુજરાત સરકારની કેસ પરત ખેંચવાની અરજી ગ્રાહ્ય રાખતા આજે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને રાજદ્રોહના કેસમાંથી મુક્તિ મળી છે. મહત્વનું છે કે અમરોલી પોલીસ સ્ટેશન રાજદ્રોહનો ગંભીર ગુનો નોંધાયો હતો. જે બાદ સરકારે કેસ પરત ખેંચવાની અરજી દાખલ કરી હતી જેને સુરતની સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. જેથી તમામ આરોપીઓને રાજદ્રોહના કેસમાંથી આઝાદી મળી છે. 

પાટીદાર આંદોલનના 10 વર્ષ બાદ સરકારે રાહત આપી

ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનાં પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતાં. આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથરિયા, રેશ્મા પટેલ જેવા મોટા નેતાઓ પણ ઉભરી આવ્યા હતાં. જોકે, આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતાં. ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ, આંદોલનના 10 વર્ષ બાદ સરકારે હવે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને રાજદ્રોહના કેસમાંથી છુટકારો આપ્યો છે.

શું હતો સમગ્ર કેસ?

વર્ષ 2015 માં જ્યારે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ હતું, ત્યારે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસના મૂળમાં હાર્દિક પટેલનું એક કથિત નિવેદન હતું. આરોપ હતો કે, આંદોલન દરમિયાન જ્યારે સુરતના એક પાટીદાર યુવક વિપુલ દેસાઈએ આત્મહત્યા કરવાની વાત કરી હતી, ત્યારે હાર્દિક પટેલે તેની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન હાર્દિકે યુવકને ઉદ્દેશીને કહ્યું હતું કે, "આત્મહત્યા શું કામ કરે છે? મરવું હોય તો બે-ચાર પોલીસવાળાને મારી નાખો, પણ પાટીદારનો દીકરો ક્યારેય મરે નહીં."

પોલીસે આ નિવેદનને ગંભીર ગણીને દાવો કર્યો હતો કે આ શબ્દો દ્વારા રાજ્ય સરકાર સામે યુદ્ધ છેડવા અને હિંસા ફેલાવવા માટે ઉશ્કેરણી કરવામાં આવી છે. આથી, પોલીસે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને અન્ય સાથીઓ સામે IPC કલમ 124A (રાજદ્રોહ) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જોકે, રાજ્ય સરકાર દ્વારા પાટીદાર આંદોલનના કેસો પરત ખેંચવાની ખાતરી બાદ, તાજેતરમાં સુરત સેશન્સ કોર્ટમાં કેસ પાછો ખેંચવાની અરજી કરવામાં આવી હતી, જેને કોર્ટે મંજૂર રાખતા હવે આ તમામ નેતાઓ નિર્દોષ છૂટ્યા છે.

આ પણ વાંચો: VIDEO: 'રાહુલ ગાંધીનું કામ કરી આપ્યું બહેનનું નહીં કરું તો...', પ્રિયંકા ગાંધી અને નિતિન ગડકરી વચ્ચે હસી મજાક

Tags :