Get The App

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત 5.85 કરોડની કિંમતનું કોબ્રા સાપનું ઝેર પકડાયું, 7 આરોપીઓની ધરપકડ

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત 5.85 કરોડની કિંમતનું કોબ્રા સાપનું ઝેર પકડાયું, 7 આરોપીઓની ધરપકડ 1 - image


Surat News: સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને એક મહત્વની સફળતા હાથ લાગી છે. કદાચ ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત 5.85 કરોડની કિંમતનું કોબ્રા સાપનું ઝેર પકડાયું છે. જેની હેરાફેરી કરતાં 7 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. જેઓ અંદાજે 6.5 ml કોબ્રા વેનોમને વેચવાની ફિરાકમાં હતા. જેની બજાર કિંમત અંદાજિત 5,85,00,000 રૂપિયા જેટલી થયા છે. 

સુરતના 2 અને વડોદરાના 5 ઈસમો

મળતી માહિતી અનુસાર આ ઝેર અમદાવાદના એક ઘનશ્યામ સોની નામના શખ્સે આરોપીઓને આપ્યું હતું. ઝડપાયેલા 7 આરોપીઓમાં સુરતના 2 અને વડોદરાના 5 ઈસમોનો સમાવેશ થાય છે. આરોપી કોબ્રા સાપનું ઝેર લઈ તેને  લસકાણા અને સરથાણા વિસ્તારમાં મોટી કિંમતમાં વેચવાની પેરવીમાં હતા. જેના ગ્રાહકોની શોધખોળ તે કરી રહ્યા હતા. 

રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ ઉપયોગ

આપને એ પણ જણાવી દઈએ કે સાપના ઝેરનો ઉપયોગ બ્લડપ્રેશર અને હાર્ટને લગતી દવાઓમાં વધુ પડતો થાય છે પણ હાલનું યુવાધન આ ઝેરનો રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે ગેરકાયદે ઉપયોગ કરે છે. આ ઉપરાંત સાપ કરડ્યા પછી તેના ઉપચારની અંદર એન્ટીવેનમ તરીકે પણ સાપના ઝેરનો ઉપયોગ થાય છે. 

ધરપકડ કરાયેલા આરોપીના નામ અને ઉંમર

મનસુખ ઘીનૈયા(67)

ચીમન ભુવા(60)

સમીર પંચાલ(41)

પ્રવીણ શાહ(74)

કેતન શાહ(50)

મકરંદ કુલકર્ણી(54)

પ્રશાંત શાહ(40)

9 કરોડમાં સોદો થયો હતો

ઉલ્લેખનીય છે કે સુરત SOG ટીમને બાતમી મળી હતી કે કોબ્રા સાપના ઝેરને વેચવા કેટલાક શખ્સો પૂછપરછ કરી રહ્યા છે. આ ગેંગ સુરતમાં મેરેજ બ્યુરો ચલાવી રહેલા મનસુખ ઘીનૈયા સાથે સંપર્કમાં હતી. જ્યાં ઝેરની ડીલ 9 કરોડમાં ડીલ  ડન થઈ હતી. આરોપીઓ રકમના સોદામાં દરેકના ટકાવારી પ્રમાણે કમિશન નક્કી હતા. પણ ડીલ ડન થાય તે જ પહેલા ચોક્કસ વોચ ગોઠવી દરોડા પાડવામાં આવ્યા હતા. 

મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોની ફરાર

જેમાં 6.5 મિલી ઝેરના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ મિલી 90 લાખ રૂપિયા કિંમત આંકવામાં આવે છે. સાતેય આરોપીની પૂછપરછ કરતાં બહાર આવ્યું છે અમદાવાદના આરટીઓ સર્કલ પાસે રહેતા મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોનીએ વડોદરાના પ્રશાંત અને મકરંદને આ ઝેર વેચવા માટે આપ્યું હતું. તેઓ કિંમતી ઝેરના વેચાણ માટે નેટવર્કનો વિસ્તાર કરી રહ્યા હતા. 

આ પણ વાંચો: ચાર દિવસ બૅન્કનું કામકાજ રહેશે ઠપ? આ માંગ મુદ્દે બૅન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરે તેવી શક્યતા!

વન વિભાગ પણ તપાસમાં જોતરાયું

હાલ તો પોલીસની સતર્કતાને કારણે આરોપીઓની આશા પર પાણી ફરી ગયું છે. વોન્ટેડ ઘનશ્યામ સોનીને જાપ્તામાં લેવા પોલીસે ટીમો સક્રિય કરી છે. બીજી તરફ વન વિભાગ પણ તપાસમાં જોતરાયું છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.