Bank Strike: જો તમારે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં બૅન્કને લગતું કોઈ કામકાજ છે તો ઝડપથી પૂર્ણ કરી લેજો કારણ કે બૅન્ક સંગઠનોએ એક દિવસીય સંભવિત હડતાળનું એલાન કર્યું છે, ઉલ્લેખનીય છે કે બૅન્ક હડતાળ એક દિવસની હોઈ શકે પણ બૅન્કનું કામકાજ ચાર દિવસ સુધી ઠપ રહી શકે, કારણ કે યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU) 27 જાન્યુઆરી 2026એ હડતાળ રાખવાનો નિર્ણય લીધો છે, જેથી બૅન્ક કર્મચારીઓ હડતાળ પર જઈ શકે છે. જેના આગળના ત્રણ દિવસ(24-25-26 જાન્યુઆરી) સત્તાવાર રીતે રજાઓ છે. એટલે બૅન્કનું કામકાજ 23 જાન્યુઆરી શુક્રવાર સુધીમાં આટોપી લેવું હિતાવહ છે.
શું છે બૅન્ક કર્મચારી યુનિયનની માંગ?
યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) દ્વારા જાહેર 27 જાન્યુઆરી 2026એ સંભવિત બૅન્ક હડતાળના નિર્ણયનું મુખ્ય કારણ સપ્તાહમાં 5 દિવસ જ કામકાજ બે દિવસ રજા(ફાઇવ ડે વર્કિંગ)નો નિયમ લાગુ કરવાનું છે. UFBUએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલ બૅન્ક કર્મચારીઓને દરેક મહિનામાં બીજા અને ચોથા શનિવારે રજા મળે છે, બાકીના બે શનિવારે રજા જાહેર કરવા માર્ચ 2024માં વેતન સંશોધન કરાર મુજબ ઇન્ડિયન બૅન્ક ઍસોસિએશન(IBA) અને યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) વચ્ચે સહમતિ સધાઈ હતી. જેમાં સોમવાર થી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ 40 મિનિટ વધારાના કામ કરવા પણ સહમતી બની હતી જેથી કામકાજના સમયમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી, પણ દુભાગ્યપૂર્ણ છે કે સરકારે વાસ્તવિક માંગ પર હજુ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી.
ત્રણ સત્તાવાર રજા, 27 તારીખે કર્મીઓ બૅન્ક હડતાળ પર જઈ શકે
24 જાન્યુઆરી: ચોથો શનિવાર
25 જાન્યુઆરી: રવિવાર
26 જાન્યુઆરી: સોમવાર: પ્રજાસત્તાક દિવસ
27 જાન્યુઆરી: મંગળવાર: સંભવિત હડતાળના કારણે બૅન્કનું કામકાજ ઠપ થઈ શકે
બૅન્કના કામકાજને થઈ શકે મોટી અસર
24 જાન્યુઆરીએ ચોથો શનિવાર, 25 જાન્યુઆરીએ રવિવાર અને 26 જાન્યુઆરી: સોમવારના રોજ પ્રજાસત્તાક દિવસ હોવાથી રજા છે તે ઉપરાંત 27 જાન્યુઆરીના રોજ બૅન્કની રાષ્ટ્રવ્યાપી હડતાળ થાય તો વધુ એક દિવસ બૅન્કનું કામ અવરોધાઈ શકે છે. જેવામાં બૅન્ક શાખાઓ સંપૂર્ણ રૂપે 28 જાન્યુઆરીથી ખૂલશે તેવી શક્યતાઓ છે. ચાર દિવસ સતત બૅન્કનું કામ રોકાવવાથી કેશ, ચેક ક્લીયરન્સ, ડ્રાફ્ટ, પાસબુક, લોન સંબંધિત સહિત અનેક કાર્યો પ્રભાવિત થઈ શકે છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) અને સરકારની મંજૂરી મેળવવી અત્યંત જરૂરી
બૅન્ક યુનિયનોનું કહેવું છે કે, અઠવાડિયામાં પાંચ દિવસના કામકાજથી કર્મચારીઓ પરનું માનસિક દબાણ ઘટશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થશે. હાલમાં ભારત સરકારના મોટાભાગના વિભાગો, RBI, LIC, શેરબજાર અને ફોરેક્સ માર્કેટમાં પાંચ દિવસનું જ કામકાજ હોય છે. બૅન્ક કર્મચારીઓ પણ આ જ ધોરણે તમામ શનિવારની રજાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે, આ હડતાળનું આહ્વાન 'યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ' (UFBU) દ્વારા કરાયું છે. જો કે, આ માંગણીને અમલમાં મૂકવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) અને સરકારની મંજૂરી મેળવવી અત્યંત જરૂરી છે.
જણાવી દઈએ કે યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ ભારતના 9 પ્રમુખ બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે, જે સાર્વજનિક ક્ષેત્રે બૅન્ક અને તેના અધિકારીઓ અને કર્મચારીઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. હાલ તો UFBUએ 27 જાન્યુઆરીના 2026ના રોજ અખિલ ભારતીય હડતાળનું આહ્વાન કરવાનો નિર્ણય લીધો છે. જેથી સંભવિત બૅન્ક હડતાળ બૅન્કિંગ સેક્ટરમાં અઠવાડિયામાં પાંચ દિવસના કામકાજનો નિયમ લાગુ કરવા સહિતની અન્ય માગ સાથે થઈ શકે છે, સરકાર દ્વારા લાંબા સમયથી બૅન્ક સંગઠનોના મુદ્દાઓને ટાળવામાં આવતા મજબૂરીમાં ત્રણ દિવસની સત્તાવાર રજા સિવાય વધુ એક દિવસ બૅન્કનું કાર્ય બંધ રહી શકે.


