Surat News: તમારાથી જ શ્રી ગણેશ! આ વાક્ય બરોબર સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા પર લાગુ પડે છે. બનાવ એમ છે કે સુરત સેન્ટ્રલ ઝોનમાં અનેક દબાણ માફિયાઓ સક્રિય છે, જે મુદ્દે ધારાસભ્યએ જવાબદાર અધિકારીઓને ફરિયાદ કરી હતી. પણ નેતાજી એ ભૂલી ગયા હતા કે આ જ વિસ્તારમાં તેમની ભલામણથી પણ દબાણ થયું છે. પાલિકાએ પણ દબાણ સામે તાત્કાલિક કાર્યવાહી કરી અને ધારાસભ્યની ભલામણથી ત્રણ વર્ષ પહેલાં જે દબાણ થયું હતું તેના પર જ બુલડોઝર ચલાવી દીધું, પછી શું, જોવા જેવી થઈ, વિપક્ષને વિરોધનો મુદ્દો મળી ગયો અને રાજકારણ ગરમાયું.

દબાણ પર બુલડોઝર ઍક્શન
સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્યએ ગત શનિવારે સંકલન બેઠકમાં સેન્ટ્રલ ઝોનમાં અનેક ગેરકાયદે બાંધકામ છે, આ માટે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરો તેવી માંગણી કરી હતી. જોકે, પાલિકાએ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની શરુઆત ધારાસભ્યના ઘર નજીકથી જ કરી છે. MLA ગુજરાતના ઘર પાસે આવેલી ડી કે એમ હૉસ્પિટલ નજીક ધારાસભ્યની ભલામણથી બનેલી ગેરકાયદે દીવાલ પર આજે પાલિકાએ બુલડોઝર ફેરવી દીધું છે.
અસમાજીક તત્ત્વોનો ત્રાસ છે કહી દીવાલ બનાવી દીધી
ત્રણ વર્ષ પહેલાં ડી કે એમ હૉસ્પિટલ નજીક જાહેર રસ્તા પર રાતોરાત એક દીવાલ બનાવી દેવામાં આવી હતી. આ વિસ્તારના ધારાસભ્ય અરવિંદ રાણાએ આ ગેરકાયદે દીવાલની ભલામણ કરવા સાથે તરફેણ કરી કહ્યું હતું કે 'આ જગ્યાએ અસમાજીક તત્ત્વોનો ત્રાસ છે અને તેઓ વાહન મૂકી જાય છે અને લાંબા દિવસ સુધી મૂકી જાય છે અને ઉપદ્રવ ઊભો થઈ રહ્યો છે. કેટલાક લોકોએ મંડપની આડમાં રાતોરાત દીવાલ બનાવી દીધી હતી અને ધારાસભ્યએ પણ આડકતરું સમર્થન આપી આંખો મીચી દીધી હતી.

રાજકીય દબાણે 'દબાણ' પર કાર્યવાહી ન થઈ
ત્રણેક વર્ષ પહેલાં આ દીવાલ બની ત્યારે વિવાદનો મધપૂડો છેડાયો હતો પણ રાજકીય વગને કારણે દબાણ પર કોઈ કાર્યવાહી થઈ ન હતી. ગત શનિવારે પાલિકાના અને ધારાસભ્યની સંકલન બેઠકમાં અનેક પ્રશ્નો રજૂ થયા હતા જેમાં પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ ઇમ્પેક્ટ ફીના કાયદા બાદ પણ સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યા છે. આ કિસ્સામાં જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે તેવી માંગણી કરી હતી.
જે બાદ ગઈકાલે (8 ડિસેમ્બર) મોડી સાંજે સેન્ટ્રલ ઝોને ચૌટા બજારના દબાણ હટાવ્યા હતા. આ ઉપરાંત આજે વહેલી સવારથી જ ત્રણેક વર્ષ પહેલાં જાહેર રસ્તા પર ગેરકાયદે બનેલી દીવાલનું ડિમોલિશન કરવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી અને દીવાલને જમીનદોસ્ત કરી દીધી હતી. આખરે ધારાસભ્યની રજૂઆત સફળ થઈ અને દબાણ સાફ થઈ ગયું.


